કોર્ટમાંથી ભાગેલા હાર્દિકની સુરત સુધીની 15 કલાકની સફર,
વડોદરાઃ કોર્ટમાંથી ફરાર થયેલા હાર્દિક પ્રજાપતિ લગભગ ૧૫ કલાકે સુરત કેવી રીતે પહોંચ્યો તેની એક પછી એક કડી પોલીસે મેળવી હતી.
કોર્ટની કેન્ટીનમાંથી પોલીસની નજર ચૂકવી પાછળની દીવાલ કૂદીને હાર્દિક ચકલી સર્કલ પાસે આવ્યો હતો અને ત્યાંથી એક બાઇક ચાલકને હાથ બતાવી લિફ્ટ લઇ કાલાઘોડા ઉતર્યો હતો.ત્યાંથી ચાલતો નિઝામપુરા બ્રિજ,ફતેગંજ,છાણી જકાત નાકા થઇ દુમાડ પહોંચ્યો હતો.
હાર્દિકે એક ફ્રુટવાળાના મોબાઇલ પરથી મિત્રને ફોન કરી રૃ.૨હજાર લઇ દુમાડ બોલાવ્યો હતો.મિત્ર મળતાં ત્યાંથી ડમ્પરમાં તરસાલી પાસે ધનીયાવી પહોંચ્યો હતો. અહીંથી લક્ઝરીમાં રૃ.૨૦૦ ચૂકવી કામરેજ ગયો હતો.કામરેજથી સુરત રેલવે સ્ટેશન જઇ બહેનને ઘેર જતો હતો ત્યારે અગાઉથી ગોઠવાયેલી પોલીસે ઝડપી પાડયો હતો.
પોલીસે પાણી પીવા લઇગયાનું જુઠ્ઠાણું ચલાવ્યું પણ હાર્દિકે જ વટાણા
વેરી દીધા,પાણી નહિ નાસ્તા માટે કેન્ટીનમાં લઇ ગયા હતાઃબે સસ્પેન્ડ
કોર્ટની કેન્ટીનમાંથી હાર્દિક ભાગી છૂટવાના કિસ્સામાં જાપ્તામાં રહેલી પોલીસનું જુઠ્ઠાણું ખૂલી ગયું છે.
પોલીસે પોતાના બચાવ માટે હાર્દિક અને તેના ભાઇ હિતેશને પાણીની તરસ લાગતાં કેન્ટીનમાં લઇ ગયા હોવાનું કહ્યું હતું.પરંતુ હાર્દિકની પૂછપરછ દરમિયાન તેને પાણી પીવા માટે નહિ પણ નાસ્તો કરવા માટે લઇ ગયા હોવાનું ખૂલ્યું હતું.
નાસ્તો કર્યા બાદ હાથ ધોવા માટે ગયેલો હાર્દિક પોલીસની નજર ચૂકવી પાછળથી ફરાર થઇ ગયો હતો.પોલીસ કમિશનરે આ બનાવની તપાસ કરાવી હાર્દિકને કેન્ટીનમાં લઇ જનાર લોકરક્ષક પો.કો.નરપતદાન રાસદાન અને આર્મ લોકરક્ષક વિશ્વમ રામભાઇને સસ્પેન્ડ કર્યા છે.
જેલમાં રહેલા ભાઇની પત્નીએ બાળક સાથે ટ્રેન નીચે સ્યુસાઇડ કરતાં બચી ગયેલી પુત્રી ન મળવું હતું
હાર્દિકની સાથે જેલમાં રહેલા તેના ભાઇ હિતેશ પ્રજાપતિની પત્ની જયશ્રી પ્રજાપતિએ એક મહિના પહેલાં સુરતમાં ટ્રેન નીચે બે સંતાન સાથે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. જેમાં પુત્રનું મોત થયું હતું અને પુત્રીનો બચાવ થયો હતો.જેથી હાર્દિકને તેની બચી ગયેલી ભત્રીજીને મળવું હોવાથી તેણે જેલમાંથી ભાગવાનો પ્લાન ઘડયો હતો.