સિહોર-દાઠાના બે પોઈન્ટ, ત્રાપજ બ્રિજ બ્લેક સ્પોટ જાહેરઃ રોડ સેફ્ટીનું કામ શરૂ
- પોલીસ, આરટીઓ અને રોડ ઓથોરિટીના સર્વેમાં 3 સંભવિત અકસ્માત સ્થળાને નિશ્ચિત કરાયા
- ત્રણેય સ્થળોએ અકસ્માતની શક્યતા નિવારવા કામગીરી હાથ ધરાઈઃ હાઈ-વે પર પસાર થતાં વાહનોની સ્પીડ વાહનધારકો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરાઈ
ભાવનગરમાં અકસ્માતોને નિવારવા દર વર્ષે રોડ સલામતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જ્યારે જે પોઇન્ટ વધુ પડતા જોખમ હોય અને ગંભીર અકસ્માતો માટે જવાબદાર હોય તેને બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવે છે. પોલીસ, આરટીઓ અને રોડ ઓથોરિટીનો સંયુક્ત સર્વે થયો હતો.જેમાં ભાવનગર જિલ્લાના ત્રણ સ્થળોને બ્લેક સ્પોટ જાહેર કર્યાં છે. જેમાં સિહોર સર્વોત્તમ ડેરી પાસેનો સર્વિસ રોડ જોખમી જણાયો હતો જેમાં મીડિયમ ગેપ એટલે કે ડિવાઇડર તૂટેલી હાલતમાં હોય અને તેનો ઉપયોગ થવાથી અકસ્માતની સંભાવના વધી જાય છે જેથી આ ગેપ પુરવાની કામગીરી કરવામાં આવી હતી તો કંપાઉન્ડ વોલ પણ રોડને અડીને જ હોય વાહનોની સ્પીડ ઘટાડવા રનિંગ સ્ટ્રીપ પટ્ટા મારવામાં આવશે. બીજા ક્રમાંકે દાઠા પાસે મોગલધામ જવાનો રસ્તો જેની એક તરફ ઢાળ અને હાઇ-વે ભેગા થતા અકસ્માતની સંભાવના વધુ છે. ઢાળને કારણે વાહનની ગતિ પણ મર્યાદિત રહેતી નથી જેથી આ ઢાળને સમતળ બનાવવાની કાર્યવાહી કરાશે જ્યારે ત્રીજા ભયજનક બ્લેક સ્પોટમાં ત્રાપજ બ્રિજ જાહેર કરાયો છે.જ્યાં થોડા સમય પહેલા બસ અને ડમ્પરનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાલ હાઇ-વે પર પસાર થતા વાહનોની સ્પીડને કન્ટ્રોલ કરવી અનિવાર્ય છે જેના પગલે પોલીસ પોઇન્ટ બનાવી હાઇ સ્પીડ વાળા વાહનોના મેમા બનાવવા કે રોડ પર વાહનો પાર્ક કરનાર સામે પણ દંડનાત્મક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. આમ ત્રણ બ્લેક સ્પોટમાં અકસ્માતો અટકાવવા તંત્ર દ્વારા કામગીરી પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.