| Images Sourse: Envato |
Kutch News: કચ્છના આદિપુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં 16 વર્ષીય સગીરાનું બે અજાણ્યા શખસોએ અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવા પ્રયાસ કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્યું હોવાની ફરિયાદ કરાઇ છે. આ મામલે સગીરાના ભાઈએ બે અજાણ્યા આરોપી સામે આદિપુરમાં ફરિયાદ નોંધાવી હતી. આદિપુર પોલીસે પોક્સો, અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને બંને યુવકની ધરપકડ કરી છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, સગીરા પોતાના પરિચિત સગીર યુવાન સાથે ગુરુવાર (26મી જૂન)ના રોજ સાંજના સમયે શનિદેવ મંદિર ખાતે ગઈ હતી. આ દરમિયાન રસ્તામાં બે અજાણ્યા યુવાનોએ તેમને ઊભા રાખ્યા હતા. તેમને પોલીસ સ્ટેશને લઈ જવાની ધમકી આપી હતી. ત્યારબાદ બે પૈકી એક શખસે સગીરાને બાઈક પાછળ બેસાડી હતી. તેમજ અન્ય એક શખસે સગીર વયના કિશોરને બાઈક પાછળ બેસાડ્યો હતો. ત્યારબાદ અવાવરું જગ્યાએ લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ વિરોધ કરતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આરોપીએ સગીરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
કચ્છ ઈસ્ટ પોલીસ એક્શનમાં
સમગ્ર મામલાની જાણ સગીરા સાથે રહેલા કિશોર દ્વારા સગીરાના ભાઈને ફોન કરીને જણાવવામાં આવી હતી. સગીરાના ભાઈ દ્વારા સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક અસરથી કચ્છ ઈસ્ટ પોલીસ હરકતમાં આવી હતી. ગણતરીની જ કલાકોમાં કચ્છ ઈસ્ટ પોલીસ દ્વારા ગંભીર ગુનાને અંજામ આપનારા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. હાલ આ બનાવ સંદર્ભે ભોગ બનનાર તેમજ આરોપીઓનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે.


