આણંદ જિલ્લામાં અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિના મોત
- મંદિરે દર્શન કરવા જતી વખતે ઘટનાઓ બની
- પેટલાદ બોરસદ રોડ પર વહેરા ગામ પાસે અને બોચાસણ નજીક બાઈક ચાલકોના મૃત્યુ
બોરસદ તાલુકાના સંતોકપુરા ગામના લલીતભાઈ ઉર્ફે લલ્લુભાઈ ભીખાભાઈ નાયક ગતરોજ પરિવાર સાથે માતાજીના દર્શને જવાનું હોવાથી વડોદરા રહેતી બહેન રેખાબેન ઉર્ફે સોનલ તથા ભાણી કીતને લઈને બાઈક ઉપર આંકલાવ ગયા હતા. જ્યાંથી બહેન તથા ભાણી સાથે સંતોકપુરા તરફ આવતા હતા. ત્યારે વહેરા પાસે પૂરઝડપે ટ્રકના ચાલકે ટક્કર મારતા બાઈક પર સવાર ત્રણે વ્યક્તિને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલે લઈ જવાયા હતા. જ્યાં લલીતભાઈ ઉર્ફે લલ્લુભાઈ નાયકનું મોત થયું હતું. આ બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે શિવમકુમાર ભીખાભાઈ નાયકની ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે.
બીજા બનાવમાં પેટલાદ તાલુકાના વિરોલ ગામના રાજેશભાઈ કાભઈભાઈ ચૌહાણ ગતરોજ એક્ટિવા ઉપર પત્ની મીનાબેન અને દીકરી ઈશિતાને લઈ ગોરેલ ગામે મંદિરે દર્શન કરવા જતા હતા. દરમિયાન બોચાસણ વિરોલ રોડ ઉપર તબેલા નજીકથી અજાણ્યા વાહને એક્ટિવાને અડફેટે લીધી હતી. અકસ્માતમાં માથા અને શરીરે ગંભીર ઈજાઓના કારણે રાજેશભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે વિપુલભાઈ ચૌહાણે બોરસદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.