એસટી બસની ટક્કરથી રિક્ષા પલટી જતા બે વ્યક્તિના મોત
- કઠલાલ કપડવંજ રોડ ઉપર અકસ્માત
- ઘટના સ્થળે ટોળા ભેગા થયા : મૃતદેહોને પીએમ માટે મોકલી પોલીસની કાર્યવાહી
કઠલાલ : કઠલાલ- કપડવંજ રોડ ઉપર પોરડા ભાટેરા બસ સ્ટેન્ડ પાસે એસટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ઘટના સ્થળે જ બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. આ અંગે કઠલાલ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરેલી છે.
કઠલાલથી કપડવંજ તરફ રિક્ષા ચાલક રાજુનાથ અરવિંદનાથ મદારી તેમની સાથે દશરથભાઈ મંગળભાઈ ભોઈને લઈને જઈ રહ્યા હતા. ત્યારે એસટી બસના ચાલકે પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવી રિક્ષાને ટક્કર મારી હતી. અકસ્માતમાં રિક્ષા પલટી ખાઈ જતા ચાલક રાજુનાથ અરવિંદનાથ મદારી અને દશરથભાઈ મંગળભાઈ ભોઈને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓને કારણે તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બે વ્યક્તિના મોત થયું જાણ અકસ્માત સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. પોલીસે બંને મૃતદેહોને પીએમ માટે મોકલી આપ્યા હતા. આ અંગે કઠલાલ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરેલી છે.