રાજકોટ અને ભાવનગરમાં નોંધાયેલા ચોરીના ત્રણ ગુના ઉકેલાયા
ચોરી કરેલી પિત્તળની મૂર્તિ, ગોળ અને રિક્ષા સહિત કુલ રૂ.૧.૪૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
શહેરના કરચલિયાપરા વેજીટેબલની પાછળ વાઘેલા રોડવેજવાળા ખાંચામાં બે ઈસમો રિક્ષામાં પિત્તળની મૂર્તિઓ અને ગોળનું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઈમબ્રાંચે તપાસ કરતા હસનબીન ઉર્ફે લાલો ઉર્ફે સદામ ઇબ્રાહીમભાઇ જફાઇ (રહે.ભગવતીપરા,રાજકોટ) અને ઇમરાન ઉર્ફે મમો વાહાબભાઇ બકિલી (રહે.જોગીવાડની ટાંકિ, કોઠીના ઝાડ પાસે, ભાવનગર)ને શક પડતી મિલકત સાથે ઝડપી લઈ પુછપરછ કરતા તેણે ગત તા.૧-૧-૨૦૨૬ના મોડી રાત્રે ભાવનગરના પિરછલ્લામાં આવેલી સોલંકી બ્રાસ નામની દુકાનના તાળા તોડી પિત્તળની મૂર્તિઓ અને પિત્તળની કડીઓવાળી સાંકળની ચોરી કરી હતી. તેમજ ૨-૧-૨૦૨૬ના રોજ મોડી રાત્રે રાજકોટ દાણપીઠમાં નિમેશ કરિયાણાની દુકાનના તાળા તોડી તેમાંથી તેલના ડબ્બા ચોરી રાજકોટમાં વેચી દીધાં હતા અને ગત તા.૪-૧-૨૦૨૬ના મોડી રાત્રે રાજકોટના દાણાપીઠમાં આવેલ જલારામ કરિયાણાની દુકાનમાંથી ગોળના ડબ્બા ચોર્યાં હોવાની કબૂલાત આપતા લોકલ ક્રાઈમબ્રાંચે કુલ રૂ.૧.૪૪ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને શખ્સોને ગંગાજળિયા પોલીસને સોંપ્યા હતા અને આ મામલે રાજકોટ એ ડિવિઝન પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. આમ, રાજકોટ અને ભાવનગરમાં નોંધાયેલા ચોરીના ત્રણ ગુના ઉકેલાયા છે.


