વડોદરાઃ હરણી ગોલ્ડન ચોકડી પાસે ગઇરાતે પોલીસે એક કારમાંથી રૃ.૩.૭૭લાખના ચરસ સાથે બે ડ્રગ્સ પેડલરને ઝડપી પાડી યુપીના સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે.
ગોલ્ડન ચોકડી પાસે ચેકપોસ્ટ પર ગઇરાતે એસઓજીની ટીમ ચેકિંગમાં હતી ત્યારે એક કારને તપાસતાં ડિકિમાંથી રૃ.૩.૭૭ લાખની કિેમતનો ચરસનો ૧૫૧૦ ગ્રામ જથ્થો મળી આવ્યો હતો.પોલીસે કારમાંથી સાબીર અનવરમીયા શેખ(નવી નગરી,દેણા મૂળ રહે.રસીદાપાર્ક,પટેલ ફળિયા,ફતેપુરા) અને જાહિદ બાબુભાઇ શેખ(ફતેપુરા તલાટી ઓફિસની ગલીમા,વડોદરાં)ને ઝડપી પાડયા હતા.
આ ઉપરાંત પોલીસે તેમની પાસેથી રોકડા રૃ.૧૦૨૯૦,ત્રણ મોબાઇલ અને ૧૫ લાખની કિંમતની કાર મળી કુલ રૃ.૧૯.૧૭ લાખની મતા કબજે કરી હતી.પૂછપરછ દરમિયાન બંને જણા કાર લઇને યુપીના કાસગંજ નજીક સહજવનમાં ગયા હતા અને રૃ.૨ લાખનું ચરસ ખરીદી લાવ્યા હોવાની વિગતો બહાર આવી હતી.
ચરસનો આ જથ્થો હાસિમ નામના સપ્લાયરે મોકલ્યો હોવાની વિગતો ખૂલતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.પોલીસે મોબાઇલની ડીટેલને આધારે ડ્રગ્સનું નેટવર્ક શોધવા અને સપ્લાયર હાસિમ કેટલા વખતથી ક્યાં ક્યાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો તે મુદ્દે પણ તપાસ કરાઇ રહી છે.


