Get The App

એસ.ટી. બસની પાછળ ધડાકાભેર કારની ટક્કરથી આંધ્રપ્રદેશના બે યાત્રિકોનાં મોત

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
એસ.ટી. બસની પાછળ ધડાકાભેર કારની ટક્કરથી આંધ્રપ્રદેશના બે યાત્રિકોનાં મોત 1 - image


મોરબીના ખારચિયા ગામ નજીક ગોજારો અકસ્માત 

ગુજરાતની તીર્થયાત્રાએ આવેલા શ્રધ્ધાળુંઓ ગાંધીધામથી દ્વારકા તરફ જતાં હતા ત્યારે દુર્ઘટના, ત્રણ યાત્રિકો ઘાયલ

એક કિશોરનો ચમત્કારિક બચાવ, કારચાલકને ઝોંકું આવી ગયાની શક્યતા, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

મોરબી: મોરબી તાલુકાના ખારચીયા ગામ નજીક આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એસ.ટી. બસ ઉભી હતી, જેની પાછળ પુરઝડપે આવતી કાર ઘુસી જતા ગુજરાતની તીર્થયાત્રાએ આવેલા આંધ્રપ્રદેશના રહેવાસી પ્રૌઢ અને વૃદ્ધના કરુણ મોત થયા હતા તો કારમાં સવાર ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતા મોરબી અને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કારમાં સવાર સગીર વયના બાળકનો આબાદ બચાવ થયો હતો. જે અકસ્માત સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આંધ્રપ્રદેશના વતની લોકો ગુજરાતમાં તીર્થયાત્રા  માટે આવ્યા હતા. જેઓ ગાંધીધામથી દ્વારકા દર્શન માટે જતા હતા અને વહેલી સવારે પોણા પાંચેક વાગ્યાના અરસામાં મોરબી તાલુકાના આમરણ નજીક આવેલા ખારચિયા ગામ પાસે પહોંચ્યા ત્યારે રોડની સાઈડમાં એસ.ટી. બસ ઉભી હતી, જે સમયે સંભવતઃ કારચાલકને ઝોંકું આવી જતાં તેની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. 

પરિણામે પુરઝડપે જતી કાર એસ.ટી.ની પાછળ ઘુસી જતા તેમાં સવાર કાશેયા રામુલુ રોમ્પલી (ઉ.વ.૬૭) અને રામાનુજ ચારુલું જગન્નાથ ચારુલું (ઉ.વ.૫૩) (રહે. બંને આંધ્રપ્રદેશ)ના કરુણ મોત થયા હતા તેમજ કારમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતા એકને મોરબી અને બે વ્યક્તિને રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ૧૩ વર્ષના સગીરનો ચમત્કારિક બચાવ થયો હતો. 

આ સમગ્ર ઘટના હાઈવે પરની હોટેલના સીસીટીવીમાં કેદ થઇ છે. જેમાં કાર પુરઝડપે જતી હતી અને ઓચિંતા ડ્રાઈવરને ઝોકું આવી ગયું અથવા અન્ય કોઈપણ કરણોસર કાર હાઈવે પર પોતાના ટ્રેકમાંથી ઓચિંતી ડાબી બાજુ આવી રોડ સાઈડમાં ઉભી હતી, તે એસ.ટી. બસની પાછળ અથડાઈ હતી. જેથી કારનો કડુસલો બોલી ગયો હતો. કાર એટલી સ્પીડે અથડાઈ હતી કે તેના ધક્કાથી મસમોટી વજનદાર એસ.ટી. બસ પણ થોડી આગળ ખસી ગઈ હતી.

Tags :