નડિયાદની પરિણીતાના ગેરકાયદે ગર્ભપાતના મામલે વેદ હોસ્પિટલની બે નર્સની ધરપકડ

- સપ્તાહ પૂર્વ પરિણીતાનો ગર્ભપાત કરતા ફરિયાદ નોંધાઇ હતી
- બંને નર્સનો છૂટકારો : ઘરે ઉભો કરેલા દવાખાના જેવા રૂમમાં અન્ય કેટલીક મહિલાઓના ગર્ભપાત કર્યા સહિતની પોલીસ અને આરોગ્ય વિભાગની તપાસ સામે સવાલો
ઉમરેઠની આશા કુંજ સોસાયટીમાં રહેતી સુમન બહેન ઇગ્નાશભાઇ ખ્રિસ્તી ઉમરેઠની વેદ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી અને આ જ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હિરલબેન કેતનકુમાર પટેલ સાથે મળી તેણીએ નડિયાદની પરણીતાને આશા કુંજ સોસાયટીમાં લઇ આવ્યા હતા. પોતાના ઘરે લઈ જઈ ઉપરના માળે બનાવેલા દવાખાના જેવી રૂમમાં લઈ જઈ ગર્ભપાત કરી ત્રણ માસના ગર્ભનો નિકાલ કર્યો હતો. જોકે આ દરમિયાન પરણીતાને ગંભીર પ્રકારની ઈજાઓ થતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને તેણીના પતિએ ઉમરેઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગર્ભપાત કરનાર સુમનબેન ઇગ્નાશભાઈ ખ્રિસ્તી અને હિરલબેન કેતનકુમાર પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ ઘટનાને લગભગ એક સપ્તાહ કરતાં વધુ સમય વીતી ગયા બાદ ઉમરેઠ પોલીસ દ્વારા બંને મહિલા નર્સોની ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડ બાદ બંનેનો જામીન ઉપર છુટકારો થયો હોવાનું ઉમરેઠ પોલીસ મથકના મહિલા પી.એસ.આઇ. એસ. એચ. બુલાને જણાવ્યું હતું.
બીજી તરફ પોતાના ઘરના ઉપરના માળે દવાખાના જેવો રૂમ બનાવી શક્રિયાના સાધન સરંજામ અને દવાઓ પણ રાખવામાં આવી હોવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસના નામે મૌન સેવવામાં આવતા આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.ઉમરેઠ પોલીસના જણાવ્યા મુજબ, શક્રિયામાં ઉપયોગમાં લેવાયેલા સાધનો કબજે લેવામાં આવ્યા છે. જોકે સુમન ખ્રિસ્તીએ પીડિત પરણીતાને ત્રણ દિવસની દવાઓ પણ આપી હતી. ત્યારે સુમન ખ્રિસ્તી પાસે આ દવાઓ ક્યાંથી આવી તે યક્ષ પ્રશ્ન છે. સાથે સાથે ઘરના ઉપરના માળે દવાખાના જેવો જ રૂમ બનાવી દર્દીઓનું ઊટવૈધુ કરવામાં આવતું હતું ત્યારે નડિયાદની એકમાત્ર પરણીતા માટે તાત્કાલિક સુમન ખ્રિસ્તીએ આ રૂમ તૈયાર નહીં કર્યો હોય તે સ્વાભાવિક વાત છે.
ત્યારે અગાઉ સુમન ખ્રિસ્તી દ્વારા કેટલી મહિલાઓનો આ પ્રકારે ગેરકાયદેસર ગર્ભપાત કરવામાં આવ્યો તે દિશામાં કોઈ જ તપાસ ન થતા આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ શંકાઓ સેવવામાં આવી રહી છે. બંને નર્સોની ધરપકડ બાદ રિમાન્ડ દરમિયાન આવા કેટલાક સવાલોના જવાબ મળવાની શક્યતા હતી પરંતુ બંને નર્સોનો જામીન પર છુટકારો થતા હવે આ પ્રશ્નોના જવાબ ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે અને પ્રશ્નો માત્ર ચર્ચાનો વિષય રહી ગયા છે.









