Drugs Seized In Valsad: ભિલાડ હાઇવે પર ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલે કારમાંથી 250 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો પકડી પાડયો હતો. પોલીસે બે નાઇજીરિયન આરોપીની ધરપકડ કરી જેલ ભેગા કર્યા છે. આરોપી મુંબઇથી ભાડેની કારમાં વલસાડ જથ્થો આપવા નિકળ્યા તે વેળા ઝડપાઈ ગયા હતા.
ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ મળેલી બાતમીના આધારે બુધવારે ઉમરગામના ભિલાડ હાઇવે પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન સુરત તરફ જતી બાતમી મુજબની કાર (નં.એમએચ-48-ડીસી-1482) ને અટકાવી હતી. પોલીસે કારમાં સવાર બે નાઇજીરિયન શખ્સની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપ્યો ન હતો. પોલીસે કારમાં તપાસ કરતા સફેદ કલરના પાવડર ભરેલી થેલી મળી આવી હતી. પોલીસને પ્રાથમિક દષ્ટ્રિએ માદક પદાર્થ હોવાનું જણાતા એફએસએલની મદદથી હાથ ધરાયેલા પરિક્ષણમાં જથ્થો એમ.ડી. ડ્રગ્સ હોવાનું તારણ બહાર આવ્યું હતું. બાદમાં પોલીસે 250 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ અને કાર જપ્ત કરી હતી.
પોલીસે મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીકેલી ચીકુ ફ્રાન્સિસ અને હકીમ ડેવિડની ધરપકડ કરી હતી. બન્ને આરોપીની પ્રાથમિક પુછપરછમાં જથ્થો મુંબઇના બોરીવલીથી મેળવ્યા બાદ કાર ભાડેથી કરી જથ્થો વલસાડ આપવા આવ્યા હોવાની કબુલાત કરી હતી. જો કે સઘન પુછપરછમાં જથ્થો આપનાર અને લેનારનું નામ બહાર આવી શકશે.


