ગંભીરા બ્રિજ પ્રકરણમાં ચાર એન્જિનિયરોને સસ્પેન્ડ કરાયા બાદ બે નવી નિમણૂક

વડોદરા,ગંભીરા બ્રિજ તૂટી પડયા બાદ ગઇકાલે કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર સહિત ચારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેરની જગ્યા પર નવી નિમણૂક કરવામાં આવી છે.
કાર્યપાલક ઇજનેર તરીકે કૌશલ બ્રહ્મભટ્ટ અને નાયબ કાર્યપાલક ઇજનેર અક્ષય જોશી મૂકાયા
માર્ગ અને મકાન વિભાગ અમદાવાદના કાર્યપાલક ઇજનેરની કચેરીમાં ફરજ બજાવતા કૌશલ એમ. બ્રહ્મભટ્ટની વડોદરા જિલ્લા માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર(સિવિલ) તરીકે તાત્કાલિક અસરથી બદલી સાથે નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે માર્ગ મકાન પેટા વિભાગ ડભોઇના નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા અક્ષય ધુ્રવભાઇ જોશીને વડોદરા જિલ્લા માર્ગ મકાન પેટા વિભાગ-એકના નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) તરીકે બદલી સાથે નિયુક્તિ કરવામાં આવી છે. ગઇકાલે કાર્યપાલક ઇજનેર એન.એમ. નાયકવાલાને સસ્પેન્ડ કરાતા તેમના સ્થાને અક્ષય જોશીને વચગાળાની વ્યવસ્થા તરીકે હાલની ફરજો ઉપરાંત આ જગ્યા સંભાળવા આદેશ કરવામાં આવ્યોહતો, એ જ પ્રમાણે નાયબ કાર્યપાલક ઇજનેર યુ.સી. પટેલ સસ્પેન્ડ કરાતા તેમના સ્થાને કે.બી. પ્રજાપતિને હાલની ફરજો ઉપરાંત વચગાળાની વ્યવસ્થા તરીકે જગ્યા સંભાળવા આદેશ કરાયો હતો.








