Get The App

નડિયાદમાં વધુ બે વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતા આંક ત્રણે પહોંચ્યો

Updated: May 25th, 2025

GS TEAM

Google News
Google News
નડિયાદમાં વધુ બે વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતા આંક ત્રણે પહોંચ્યો 1 - image


- પરિવારજનોને ક્વૉરેન્ટાઈન કરાયા : આરોગ્ય વિભાગનો બંને વિસ્તારમાં સર્વે શરૂ 

- પીજ રોડ પર 62 વર્ષના વૃદ્ધને કોવિડ હોવાનું જણાયું : વૈશાલી સિનેમા વિસ્તારમાં રહેતી 17 વર્ષની કિશોરીની હાલત ગંભીર હોવાથી વેન્ટિલેટર પર

નડિયાદ : નડિયાદમાં બે દિવસ અગાઉ ૮ મહિનાની બાળકીને કોવિડ પોઝિટિવ આવતા કોરોનાની રીએન્ટ્રી થઈ હતી. આજે વધુ બે કેસ નોંધાતા હવે કોરોના કુલ આંકડો ત્રણ થયો છે. આ સાથે જ આજે આવેલા નવા બે કેસ પૈકી વૈશાલી સિનેમા વિસ્તારની એક ૧૭ વર્ષીય કિશોરીની હાલ ગંભીર હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. 

હાલ ભારત સહિત વિશ્વભરમાં કોરોના મહામારીએ ફરી માથું ઉચક્યું છે. ગુજરાતમાં પણ ઠેક ઠેકાણે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે નડિયાદમાં આજે વધુ બે કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. પીજ રોડ પર એક ૬૨ વર્ષીય વૃદ્ધ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. વૈશાલી સિનેમા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય કિશોરી પણ કોરોના સંક્રમિત થવાનું માલુમ પડયું છે. આ કિશોરી હાલ નડિયાદની એનડી દેસાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેની તબિયત નાજુક હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. અગાઉ આઠ મહિનાની બાળકીને કોરોના પોઝિટિવનો કેસ સહિત હવે વધુ બે નવા કેસ આવતા કોરોના સંક્રમિતોનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે. હાલ જે વિસ્તારમાંથી કોરોનાના કેસ મળી આવ્યા છે ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. ઉપરાંત ટેસ્ટિંગ કરવા સહિત કોરોના સંક્રમિતોના પરિવારજનોને ક્વોરેન્ટાઇન પણ કરવામાં આવ્યા છે. તંત્ર એ હાલ લોકોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરી છે.

આણંદની હોસ્પિટલમાં કોવિડ માટે આઈસોલેશન વોર્ડ શરૂ

આણંદ : આણંદ જિલ્લાના પેટલાદમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ આવતા હવે આણંદની જનરલ હોસ્પિટલમાં તકેદારીરૂપે કોવિડ માટે ૧૦ જેટલી ઓક્સિજન ટેન્ક સાથે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. જેમાં ૭૦ જેટલા બેડનું આયોજન કરાયેલું છે અને તેમાં ઈમરજન્સી સારવાર તેમજ દવાઓ અને મેડિકલ કીટ પણ રાખવામાં આવી રહી છે. કોરોનાના લક્ષણો જણાય તો દર્દીઓએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવી લેવા તેમજ વૃદ્ધોએ તકેદારી રાખવા સૂચનાઓ અપાઈ છે.

Tags :