ભરૂચ જિલ્લામાં અકસ્માતના વધુ બે બનાવમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા
Bharuch Accident : ભરૂચ જિલ્લામાં અકસ્માતના વધુ બે બનાવમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. ઝઘડિયા-રાજપીપળા માર્ગ ઉપર ચાલતા જતા વૃધ્ધને ટેન્કરે કચડી નાખ્યો હતો. જ્યારે ઝઘડિયાના ગોવાલી ગામ ખાતે બાઈક સ્લીપ થઈ જવાથી ચાલકનું મોત નીપજયું હતું.
મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ અંકલેશ્વરના ગડખોલ પાટીયા ખાતે વિજયનગરમાં રહેતા 52 વર્ષીય અમલ હરિલાલ યાદવ ઝઘડિયાથી રાજપીપળા ચોકડી તરફ ચાલતા જઈ રહ્યા હતા. તે વખતે નાળા પાસે બેફામ ઘસી આવેલ એક ટેન્કરે તેમને અડફેટે લેતા પૈડા માથા પર ફરી વળવાથી તેમનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટેન્કર ચાલક સ્થળ પર ટેન્કર મૂકી નાસી છૂટ્યો હતો. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ફરિયાદના આધારે ટેન્કર નંબરના આધારે ચાલકની શોધખોળ શરૂ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગળખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો હતો.
બીજા બનાવમાં અંકલેશ્વરના માંડવા ગામ ખાતે રહેતા મેહુલભાઈ પટેલએ તેમનો નાનો ભાઈ 35 વર્ષીય હસમુખ નગીનભાઈ પટેલ ગઈ તા.8 ઓગસ્ટના રોજ ઘરેથી બાઈક લઈ નીકળ્યા બાદ બે દિવસ સુધી ઘરે ના આવતા ગુમ અંગેની પોલીસને જાણ કરી હતી. દરમ્યાન તેમને જાણવા મળ્યું હતું કે, 8 ઓગસ્ટના રોજ રાત્રે ગોપાલી ગામ પાસે હસમુખનું બાઈક સ્લીપ થઈ જતા હસમુખને માથાના ભાગે ઇજાઓ પહોંચતા રાહદારીઓએ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં બીજા દિવસે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ઝઘડિયા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.