સુરતમાં રોગચાળો વકર્યો બાળક સહિત વધુ બેના મોત સાથે મૃત્યુઆંક ૪ થયો
વિવિધ રોગમાં ૫૧૦થી વધુ દર્દીઓ સારવાર હેઠળ ઃ સિવિલમાં વોર્ડ ઉભરાયા, નીચે બેડ બનાવીને સારવાર કરવાની નોબત
સુરત,તા.8 ઓગસ્ટ,2019 ગુરૃવાર
સુરતમાં વરસાદે થોડો વિરામ લેતાની સાથે કેટલાક વિસ્તારોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બની રહ્યો છે. આ રોગચાળો ગત રોજ બે વ્યકિતને ભરખી ગયા બાદ આજે વધુ બેનો ભોગ લઇ લેતા આરોગ્ય તંત્રમાં દોડધામ શરૃ થઇ હતી. છેલ્લા એક મહિનામાં નવી સિવિલ હોસ્પિટલમાં મેલેરિયાના 84, ડેન્ગ્યુના 32 દર્દી સહિત વિવિધ રોગોના 510દર્દી સારવાર અર્થે ખસેડાયા છે. સિવિલમાં કેટલાક વોર્ડ હાઉસફુલ થઇ જતા દર્દીઓ માટે નીચે પથારી કરવાની નોબત આવી છે.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ કોપોદ્રામાં ભરવાડ ફળિયામાં રહેતો 22 વષીૅય યોગેસીયા જીનીયા કટેલીયાને આજે સવારે ઘરે ઝાડા-ઉલ્ટી થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.તે કડીયાકામ કરતો હતો.આ સાથે સચીનમાં રામેશ્વર કોલોની ખાતે રોયલ પાર્ક પાસે રહેતો 7 વષીૅય રીતનેશ કુબેરસીંગ ઠાકુરને ત્રણ દિવસ થી તાવ આવતો હતો. ખાનગી હોસ્પિટલ બાદ હાલત ગંભીર બનતા સ્મીમેરમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો.તેના પિતા મિલમાં નોકરી કરે છે.આ સાથે ચોમાનીમોસમમાં રોગચાળાનો કુલ મરણઆંક વધીને ચાર પર પહોચ્યો છે.
નોધનીય છે કેપાંડેસરા, ઉધના, સચિન, ડીંડોલી, નવાગામ, લિંબાયત, પર્વત પાટિયા, ડુંભાલ ,ભટાર સહિતના વિસ્તારોમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા- ઉલટી, તાવ, કમળો, ટાઈફોડ જેવી બીમારીમાં સપડાઇ રહ્યા છે. જેમાં છેલ્લા એક માસમાં નવી સિવિલ હોસ્પિટલમાં મલેરિયાના 84, ડેંગ્યુના 32, ટાઈફોડના 141, ઝાડા ના 85 ,કમળાના 99 ,તાવના 110 મળી કુલે 510 દર્દીઓએ સારવાર લીધી હોવાનું જાણવા મળે છે. રોગચાળાના આંકમાં વધારો થઇ રહ્યો હોવાથી નવી સિવિલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગના કેટલાક વોર્ડ ઉભરાવા લાગ્યા છે. અને અમુક વોર્ડ માં તો બેડ ફુલ થઇ ગયા છે. અને બેડ જમીન પર પાથરીને દર્દીને સારવાર આપવામાં આવી રહી છે.