Get The App

જિલ્લામાં નર્મદા કેનાલના વધુ બે બ્રિજ જર્જરિત થતાં વાહન વ્યવહાર માટે બંધ કરાયા

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
જિલ્લામાં નર્મદા કેનાલના વધુ બે બ્રિજ જર્જરિત  થતાં વાહન વ્યવહાર માટે બંધ કરાયા 1 - image

ડિટેઇલ ઇન્સ્પેક્શન દરમિયાન ખામીઓ બહાર આવતા નિર્ણય લેવાયો

ઘોડાસર બ્રાન્ચ કેનાલ અને વહેલાલ શાખા નહેર બ્રિજને તાત્કાલિક અસરથી બંધ કરી દેવા તંત્રનું જાહેરનામું ઃ પુલ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં હાલ વિવિધ બ્રિજની ચકાસણી કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા કેનાલની બ્રાન્ચ તેમજ સબકેનાલો ઉપર બનેલા બ્રિજની તપાસ કરતા વહેલાલ અને ઘોડાસર કેનાલ બ્રિજ જર્જરીત સ્થિતિમાં અને સંભવિત અકસ્માત કરે તેમ હોવાથી તેને તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને પોલીસ પણ ગોઠવી દેવામાં આવી છે.

રાજ્યમાં હાલ જર્જરિત પુલોની ચકાસણી કરવામાં આવ્યું છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સાત જેટલા ભારે વાહનો માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે અને હજી પણ અલગ અલગ વિસ્તારમાં આ બ્રિજની ચકાસણી કરવામાં આવી રહી છે ત્યારે વધુ બે બ્રિજને સામાન્ય વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં ઘોડાસર બ્રાન્ચ કેનાલ અને વહેલાલ શાખા નહેર બ્રિજમાં સમાવેશ થાય છે.

ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વહેલાલ અને ઘોડાસર કેનાલ પરના બે બ્રિજને વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય પુલની જર્જરિત સ્થિતિ અને સંભવિત અકસ્માતો ટાળવા માટે લેવામાં આવ્યો છે. જેના પગલે વાહન ચાલકોને અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. બહિયલ-અપ્જી તરફ જતા વાહનચાલકો માટે નર્મદા મુખ્ય નહેરના સવસ રોડ મારફતે ડોડિયાકુઈ ગામથી અપ્રુજી રોડ તરફ જઈ શકાશે.

જ્યારે અપ્રુજી-બહિયલ તરફ જતા વાહનચાલકો માટે અપ્રુજીથી ડોડિયાકુઈ ગામથી નર્મદા મુખ્ય નહેરના સવસ રોડ મારફતે બહિયલ ગામ તરફ જઈ શકાશે. કડાદરા-નાની મોરાલી તરફ જતા વાહનચાલકો માટે કડાદરા ગામથી વહેલાલ શાખા નહેરના સવસ રોડથી કરોલી રોડ મારફતે નાની મોરાલી તરફ જઈ શકાશે.નાની મોરાલી-કડાદરા તરફ જતા વાહનચાલકો માટે નાની મોરાલીથી કરોલી રોડથી વહેલાલ શાખા નહેરના સવસ રોડ થઈ કડાદરા ગામ તરફ જઈ શકાશે.

આ બ્રિજ બંધ થવાને પગલે પોલીસને પણ અહીં બેરીકેટિંગ કરી દેવા માટે સૂચના આપવામાં આવી છે તો આગામી ૧૬ સપ્ટેમ્બર સુધી આ બ્રિજને બંધ રાખવામાં આવશે.

Tags :