Gujarat
ગણેશજીની સવારી પર ઇંડા ફેંકવાના ગુનામાં વધુ બે ઝડપાયા
By GS TEAM
28 Aug 20251 min read

વડોદરા,ગણેશજીની સવારી પર ઇંડા ફેંકવાના ગુનામાં કાવતરામાં સામેલ બે ભાઇઓને સિટિ પોલીસે ઝડપી પાડયા છે. આરોપીઓ માફિયા ગેંગના સભ્યો હોવાનું બહાર આવ્યું છે.
સોમવારની રાતે અઢી વાગ્યે પાણીગેટ માંડવી રોડ પરથી પસાર થતી ગણેશજીની શોભાયાત્રાને ટાર્ગેટ બનાવી આરોપીઓેએ ઇંડા ફેંક્યા હતા. આ ગુનામાં સિટિ પોલીસે અત્યારસુધી એક સગીર સહિત ત્રણને ઝડપી પાડયા હતા. બે આરોપીઓ રિમાન્ડ પર છે. તપાસ દરમિયાન સિટિ પી.આઇ. આર.બી. ચૌહાણે વધુ બે આરોપીઓ (૧) જુનેદ ઉર્ફે મોટો મગર હનિફભાઇ મલેક તથા (૨) જાવેદ ઉર્ફે નાનો મગર હનિફભાઇ મલેક ( બંને રહે. ખાનગાહ મહોલ્લો, વાડી)ની ધરપકડ કરી છે. ગુનાને અંજામ આપતા પહેલા આરોપીઓ રાતે દોઢ વાગ્યે વાડી ખાનગાહ મહોલ્લામાં ભેગા થયા હતા અને રાતે કોઇ પણ સવારી નીકળે તેને ટાર્ગેટ કરીને ઇંડા ફેંકવાની યોજના ઘડી હતી.








