Gir Somnath News : ગીર સોમનાથના તાલાલામાં બે કૌટુંબિક સગીર બહેનો પર દુષ્કર્મ આચરી જંગલમાં છુપાયેલા બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીમાં એક સગીર હોવાનું જણાય છે. સમગ્ર મામલે પોલીસે બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાલાલામાં બે સગીર બહેનો પર દુષ્કર્મ
મળતી માહિતી મુજબ, તાલાલાના એક ગામમાં બે કૌટુંબિક બહેનોને ગામના જ એક સગીરે તેના મિત્ર પરેશ પરમાર ઉર્ફે કાળિયો સાથે મળીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. બંને આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચરીને અંગત ફોટો લઈ લીધા હતા. આ પછી આરોપીએ ફોટો વાઈરલ કરવાની ધમકી આપતા સગીરાએ માતાને વાત કરી હતી.
સમગ્ર મામલે પીડિતાની માતાએ તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો (POCSO) એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી હતી. જેમાં ટેક્નિકલ અને હ્યુમન સોર્સ દ્વારા પોલીસને જાણવા મળ્યું હતું કે, આરોપી પોતાના મોબાઈલ ફોન બંધ કરીને ગામ પાસેના જંગલ વિસ્તારમાં છુપાયા છે. ત્યારબાદ પોલીસની ટીમે જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને બંને આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


