ટ્રાયલના નામે 2 ટ્રેક્ટર બઠાવી જનાર બે શખ્સ સુરેન્દ્રનગરથી ઝડપાયા
- પંચમહાલના મોરવા હડફમાં ટ્રેક્ટરના શોરૂમમાં
- એલસીબી પોલીસે ટ્રેકટર સહિત રૂા. 6.50 લાખનો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીને જેલ હવાલે કર્યા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એલસીબી પોલીસે શો રૂમમાંથી છેતરપીંડિ કરી મેળવેલા ટ્રેકટર સહિતના મુદ્દામાલ સાથે બે શખ્સને ઝડપી લીધા હતા અને બંને વિરૂધ્ધ કાર્યવાહી કરી જોરાવરનગર પોલીસ મથકે સોંપ્યા હતા.
એલસીબી ટીમને જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રાલિંગ વખતે એક શંકાસ્પદ ટ્રેકટર મળી આવ્યું હતું. પોલીસે બંને શખ્સોના નામઠામ પુછતા પોતાની ઓળખ ગૌતમભાઈ કાળુભાઈ પાધરીયા (રહે.શિવદર્શન સોસાયટી, ખેરાળી રોડ) તથા સુરેશભાઈ દલપતભાઈ પાંડવા (હાલ રહે.હરિઓમ સોસાયટી, ઘુટું ગામ, મોરબી) હોવાનું જણાવ્યું હતું. ટ્રેક્ટર અંગે પુછપરછ કરતા બંને શખ્સોએ એક વર્ષ પહેલા પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં આવેલા શીવ શક્તિ શો રૂમમાં ગ્રાહકના સ્વાંગમાં પહોંચ્યા હતા અને ટ્રેક્ટર લેવાનું છે કહી ટ્રેક્ટરની ટ્રાયલ માંગી હતી. શો રૂમમાંથી ટ્રાયલ લેવાના નામે ટ્રેક્ટરની ચોરી ભાગી છુટયા હતા. જે અંગે શોરૂમના માલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એલીસીબીની ટીમે બંને શખ્સો પાસેથી છેતરપીંડિથી મેળવેલા ટ્રેકટર કિં.રૂા.૬,૫૦,૦૦૦ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બંને આરોપીને જોરાવરનગર પોલીસ મથકે સોંપ્યા હતા.