વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ મહેબૂબપૂરા ખાતે ઘર આંગણે બેઠેલા 16 વર્ષના સગીર પર મોપેડ સવાર બે અજાણ્યા શખ્સોએ તીક્ષણ હથિયાર વડે હુમલો કરી નાસી છૂટ્યાની ઘટના સામે આવી છે. આ મામલે ફરિયાદના આધારે નવાપુરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવાપુરા વિસ્તારના મહેબૂબપૂરા ખાતે રહેતા અનવર મોહમ્મદ શેખ તિજોરીનો વ્યવસાય કરે છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે બપોરે તેમનો 16 વર્ષનો ભત્રીજો મહેબૂબપૂરા સરકારી આરોગ્ય ઓફિસ નજીક બાંકડા પર બેઠો હતો. તે દરમિયાન એક મોપેડ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ત્યાં આવી તેના ભત્રીજાને ગાળો આપી હતી.
નજીક આવેલી મહેબૂબપૂરા પોલીસ ચોકી પાસે મોપેડ ઊભું રાખતા, સગીરે ગાળો આપવાના કારણ અંગે પૂછતાં મોપેડની પાછળ બેઠેલા શખ્સે તેના પેન્ટના ખિસ્સામાંથી ધારદાર હથિયાર કાઢી તેના પર હુમલો કર્યો હતો. હુમલામાં સગીરને હાથની હથેળી ના ભાગે ગંભીર ઇજા પહોંચતા સાત ટાંકા આવ્યા છે.
હુમલા બાદ બંને આરોપીઓ મોપેડ લઈને નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં નવાપુરા પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.


