Gujarat

ટાણાના બે શખ્સને છેતરપિંડીના કેસમાં 3-3 વર્ષ કેદની સજા

By GS TEAM
8 Apr 20261 min read
ટાણાના બે શખ્સને છેતરપિંડીના કેસમાં 3-3 વર્ષ કેદની સજા

- સવા સાત વર્ષ પૂર્વેની ઘટનામાં સિહોર કોર્ટનો ચુકાદો

- સુરતની કંપનીમાં લાખો રૂપિયાનું રોકાણ કરાવી હપ્તાની રકમ આપવામાં હાથ ખંખેરી લીધા હતા

ભાવનગર : સિહોર તાલુકાના ટાણા ગામે સવા સાત વર્ષ પૂર્વે લાખો રૂપિયાની થયેલી છેતરપિંડીના કેસમાં બે શખ્સને ત્રણ-ત્રણ વર્ષ કેદની સજા અને રોકડ રકમનો દંડ ભરવા સિહોર કોર્ટે હુકમ કર્યો છે.

સિહોરના ટાણા ગામે રહેતો સુરેશ બચુભાઈ સોલંકી અને જયપાલ ભૂપતભાઈ સોલંકી (હાલ રહે, કતારગામ દરવાજા, પારસ પોલીસ ચોકી, જ્યોતિ સોસાયટી, બ્લોક નં.૨૪, સુરત) તેમજ વિનુભાઈ લવજીભાઈ ભાલોડિયા (મરણ ગયેલ છે)એ વર્ષ ૨૦૧૮માં ગામના કેટલાક લોકોને સુરતની ગ્લોબલ ટ્રેડર્સ પ્રોમેનેન્ટ કંપનીમાં પોતે એજન્ટ હોય, કંપનીમાં રોકાણ કરવાથી ભાડા પેટે રૂપિયા મળશે તેવી લાલચ અપાવી લાખો રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ કંપની ઉઠી જતાં હપ્તો નહીં આપી પૈસા મળશે નહીં તેવું જણાવ્યું હતું. જે બનાવ અંગે નીતેષભાઈ બાબુભાઈએ સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

આ કેસ સિહોરના એડી. ચીફ જ્યુડી. મેજિ.ની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ એચ.જી. રાઠોડની ધારદાર દલીલો, રજૂ થયેલા આધાર-પુરાવાને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ પી.એન. ગોસ્વામીએ સુરેશ સોલંકી અને જયપાલ સોલંકીને તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષ સાદી કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે. જ્યારે વિનુભાઈ ભાલોડિયાનું મૃત્યુ થયેલ હોય, તેમની સામેનો કેસ એબેટ કરાયો હતો.