Gujarat

પાણી ભરવાની બાબતમાં તકરાર દંપતિ ઉપર બે શખ્સોનો હુમલો

By GS TEAM
19 Jun 20252 mins read
પાણી ભરવાની બાબતમાં તકરાર દંપતિ ઉપર બે શખ્સોનો હુમલો

ગાંધીનગર શહેરના સેક્ટર-૧૩માં

વસાહતમાં જ રહેતા બે ભાઈઓએ લોખંડની પાઇપ અને હોકી વડે માર માર્યો

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર-૧૩માં પાણી ભરવાની બાબતમાં બે બાળકો વચ્ચે થયેલી તકરારે ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યું હતું અને દંપતી તેમજ અન્ય એક વ્યક્તિ ઉપર બે શખ્સો દ્વારા લોખંડની પાઇપ અને હોકી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ત્રણ ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ અંગે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં સર્વન્ટ ક્વાર્ટર્સમાં રહેતા ભાવિક વશરામભાઈ વાઘેલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેમના મોટાભાઈ જયેશભાઈ તેમની પત્ની અને પુત્ર સાથે સેક્ટર ૧૩માં રહે છે ત્યારે ગઈકાલે બપોરના સુમારે તેમનો ભત્રીજો આદિત્ય ઘર પાસે પાણીના નળ ખાતે પાણી ભરવા ગયો હતો તે દરમિયાન અહીં રહેતા આયુષ સાથે પાણી ભરવા બાબતે ઝઘડો થયો હતો અને ત્યારબાદ આ આયુષના મામા આદિત્ય ભરતભાઈ વણઝારા અને કરણ ભરતભાઈ વણઝારા આદિત્યને લઈને ઘરે આવ્યા હતા અને જ્યાં તેમના ભાભી વૈશાલીબેન સાથે ગાળા ગાળી કરીને માર મારવાનું શરૃ કર્યું હતું. આ દરમિયાન તેમના ભાઈ જયેશભાઈ વચ્ચે પડતા કરણ હાથમાં લાકડી લઈને આવ્યો હતો અને ત્યારબાદ આદિત્ય લોખંડની પાઇપ વડે હુમલો કરી દીધો હતો. જે મારામારીમાં વૈશાલી બેન અને જયેશભાઈ ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા ભાવિકભાઈ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જ્યાં આ શખ્સો દ્વારા તેમને પણ માર મારવામાં આવ્યો હતો. લોખંડની પાઇપ અને હોકી વડે કરવામાં આવેલા હુમલાને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને ત્યારબાદ તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની ફરિયાદના આધારે પોલીસ દ્વારા આ બંને ભાઈઓ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.