અમને લુખ્ખા કેમ બોલતો હતો! રાત્રી બજારમાં ભેલપુરીની દુકાને નોકરી કરતા યુવકને બે શખ્સોએ ફટકાર્યો
Vadodara Crime : વડોદરા ગોરવા વિસ્તારમાં રહેતા અને રાત્રી બજાર ખાતે રાજસ્થાન ભેલ પાણીપુરીની દુકાને નોકરી કરતા યુવકને બે શખ્સોએ તો અમને લુખ્ખા કેમ કહેતો હતો તેમ કહીને માર માર્યા બાદ પટ્ટાથી હુમલો કર્યો હતો. યુવકને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે કપાળના ભાગે પાંચ ટાંકા આવ્યા હતા. યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને શખ્સ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી શાલીમાર પાર્ક સોસાયટીમાં રહેતા મોહમદ હારુન સમસુલ કમરખાને ફરિયાદ નોંધાવી છે કે રાત્રી બજાર પાસે રાજસ્થાન ભેલ પુરીની દુકાનમાં નોકરી કરી મારું ગુજરાન ચલાવુ છું. ગત આઠ જૂનના રોજ બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ મારા મિત્ર શમશાદખાનની માહિ સલૂનની દુકાન ગોરવા ખાતે હોય હું હેર મસાજ કરવા માટે ગયો હતો. તે દરમ્યાન તેના સલૂનમાં બબલુ તથા શેરા દારૂ પીધેલી હાલતમાં સલૂનમાં બેઠા હતા અને મોટે મોટેથી વાતો કરતા હતા. જેથી મેં મારા મિત્ર શમશાદખાનને જણાવેલ કે તારી સલૂનની દુકાને આવા ફાલતુ લુખ્ખાઓને કેમ બેસાડે છે તેવું કહી હું હેર મસાજ કરીને તેની સલુનમાંથી મારા ઘરે જતી રહયો હતો અને પછી સાડા ચાર વાગ્યાની આસપાસ મારા મોબાઇલ ફોનમાં બબલુનો ફોન આવ્યો હતો અને મને કહેવા લાગ્યો કે તું અમને બન્ને લુખ્ખા કેમ કહેતો હતો? તું બહાર મળજે તને જોઈ લઈશ અને રાત્રીના સાડા નવેક વાગ્યાની આસપાસ હું રાત્રી બજાર રાજસ્થાની ભેલ પુરી ખાતે નોકરી ઉપર આવ્યો હતો ત્યારે અચાનક રાત્રીના આશરે સાડા દસ વાગ્યાની આસપાસ બબલુ તથા શેરા આવીને મને લુખ્ખા કોને કહેતો હતો તેમ કહીને મારી સાથે ઝઘડો કરી બન્ને જણા ગંદી ગાળો આપી હતી. ત્યારબાદ શેરોએ તેના કમરમાંથી પટ્ટો કાઢીને માર માર્યો હતો. જ્યારે બબલુએ હાથથી માર માર્યો હતો. જેથી મેં બુમાબુમ કરતા બન્ને ત્યાંથી ભાગી ગયા અને રાજસ્થાની ભેલ પુરીના માલિક દિનેશ ચંન્દ્ર શર્મા તેની બાઇક ઉપર બેસાડીને એસ.એસ.જી.હોસ્પીટલમા સારવાર માટે કપાળના ભાગે પાચ ટાંકા આવ્યા હતા.