ભદ્રાવડીના ઓઈલ મીલ માલિકનું અપહરણ કરી ખંડણી માંગનાર બે શખ્સ ગિરફ્તાર
12 દિવસ પૂર્વે ભદ્રાવડી નજીકથી છ શખ્સોએ કર્યું હતું અપહરણ
અપહરણ બાદ રૂા. ૫૦ કરોડની ખંડણી માંગનાર છ પૈકી બે આરોપી ૧૨ દિવસે પોલીસના હાથે લાગ્યા ઃ બન્ને સાત દિવસના રિમાન્ડ પર, અન્ય ચારની શોધખોળ
આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર ગત ૨૮ ડિસેમ્બરના દિવસે બોટાદ તાલુકાના ભદ્રાવડી ગામના રેલવેના પાટા પાસે રહેતા ભદ્રાવડી હડદડ રોડ પર મારૂતી સ્પીનટેક્ષની સામે રાધે ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે સીંગતેલનું ઉત્પાદન કરતા વિપુલભાઈ શેખ ભદ્રાવડી ઘરેથી મોટર સાયકલ નં.જીજે-૩૩-જે-૯૭૫૫ લઇને રાધે ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે જવા નિકળેલ અને ભદ્રાવડી હડદડ રોડ ઉપર હનુમાનજી આશ્રમ પાસે આશરે દશેક વાગ્યે પહોંચંતા હડદડ ગામ તરફથી એક સફેદ કલરની ક્રેટા ગાડી અને ભદ્રાવડી ગામ તરફથી એક સફેદ કલરની મારૂતી સુઝુકી ગાડી આવેલ અને વિપુલભાઈ દબાવતા મોટરસાયકલ સાથે રોડની ડાબી સાઇડમાં પાડી દીધા હતા. અને મારૂતી સુઝુકી ગાડી તથા સફેદ કલરની કાળા કાંચ વાળી ક્રેટામાં સંજય મનુભાઈ ઓળકીયા તથા હીતેષ મનુભાઈ ઓળકીયા (રહે.કંધેવાળીયા તા.વિછીયા )તથા સાગર ઝાપડીયા તથા ગાડીમાંથી ઉતર્યા હતા.અને ત્રણ અજાણ્યા ઇસમોએ અપહરણ કરી રસ્તામાં લાફા તથા ઢીકા મારી રૂ. ૫૦ કરોડ રૂપિયાની માંગણી કરી હતી.અને છેવટે આંગડીયાથી આપી દે તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી.અને સમઢીયાળા ગામ પાસે ક્રેટા ગાડી બંધ થઇ જતા વિપુલભાઈ શેખ બચીને નીકળી ગયા હતા.દરમિયાનમાં તમામ શખ્સ ક્રેટા ગાડી છોડીને નાસી છૂટયા આ પ્રકરણમાં પોલીસે સંજય ઓળકિયાને રતનપર ચોકડી અને પાળીયાદ પોલીસે અલ્પેશ મકવાણાને ભદ્રાવડીથી ઉઠાવી લીધો હતો જ્યારે ચાર શખ્સની શોધખોળ પોલીસે હાથ ધરી છે.આ પ્રકરણમાં પકડાયેલ બંને શખ્સને ૧૪ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરવાના આવતા કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું પાળીયાદ પોલીસ મથકના પીએસઆઈ પી ડી વાંદાએ જણાવ્યું હતું.