જામનગરમાં ગણપત નગર વિસ્તારમાં પાન મસાલો આપવાના પ્રશ્ને એક પાનના વેપારી પર બે શખ્સોનો છરી વડે હુમલો
જામનગરમાં ગણપત નગર વિસ્તારમાં પાનની દુકાન ચલાવતા એક વેપારી ઉપર પાન મસાલા આપવાના મામલે બે શખ્સોએ તકરાર કરી છરી વડે હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગજામ સર્કલ પાસે રહેતા અને ગણપત નગર વિસ્તારમાં પાનની દુકાન ચલાવતા અજય જીવરાજભાઈ પરમાર નામના 27 વર્ષના વેપારીએ પોતાના ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે સાગર ઉર્ફે એસ. કે. અને તેના એક સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે. જયારે ઇજાગ્રસ્ત યુવાનને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર આપવી પડી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વેપારી ગઈકાલે રાત્રે પોતાની દુકાને પાન મસાલા નો વેપાર કરતો હતો, જે દરમિયાન બંને આરોપીઓ પાન-મસાલો ખાવા આવ્યા હતા, અને પોતાને ઝડપથી પાન મસાલા આપવા બાબત તકરાર કરી હતી, અને વેપારી યુવાન પર છરી વડે હુમલો કરી દીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જેવુંઆરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ બંનેને શોધી રહી છે.