વડોદરા પાસે નર્કેમદા કેનાલમાં પડેલું ચંપલ લેવા જતા જામનગરના પ્રેમ માંતગ અને સુરતના અન્ય એક તબીબી શાખાના વિદ્યાર્થીનાં મોત

કેનાલની પાણીમાં લીલ હોવાથી ભોગ બન્યા : ગોત્રી ખાતેની મેડિકલ કોલેજમાં એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા બંને મેડિકલ સ્ટુડન્ટ તેમના પરિવારના એકના એક પુત્ર
વડોદરા, : અંકોડીયા પાસેની નર્મદા કેનાલમાં પડેલા એક ચંપલને લેવા જતા બે આશાસ્પદ તબીબી વિદ્યાર્થીઓએ જીવ ગુમાવવો પડયો હતો. ચંપલ લેવા ઉતરેલો એક વિદ્યાર્થી તો તરવૈયો પણ હતો પરંતુ તે પણ કેનાલમાં પાણીમાં ખેંચાઇ ગયો હતો. આજે પરિવારજનોએ પીએમ રૂમ બહાર રોકકળ કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું.
ઉલ્લેખનીય છે કે ગોત્રી ખાતેની મેડિકલ કોલેજમાં એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો મૂળ સુરતનો આદિત્ય રામકૃષ્ણન ઐયર તેમજ જામનગરનો પ્રેમ પ્રવિણભાઇ માતંગ તેના અન્ય તબીબ સ્ટુડન્ટ મિત્રો સંકેત સરોજાનંદ મહંતો અને અંશ ભરતકુમાર પાર્ગી અંકોડીયા પાસે ફરવા માટે ગયા હતાં. આદિત્ય અને પ્રેમ બંને કેનાલના કાંઠે ચાલતા નીકળ્યા હતા તે વખતે આદિત્યનો ચંપલ કેનાલમાં પડી જતા આદિત્ય પોતે તરવૈયો હોવાથી કેનાલમાં ચંપલ લેવા માટે ઉતર્યો હતો. ચંપલ લઇને તે બહાર નીકળવા જતો હતો પરંતુ કેનાલની પાણીમાં લીલ હોવાથી તે બહાર નીકળી શક્યો ન હતો દરમિયાન પ્રેમે હાથ લંબાવી આદિત્યને બહાર કાઢવાનો પ્રયાસ કરતો હતો ત્યારે પ્રેમનો પણ પગ લપસી જતાં બંને કેનાલમાં ડૂબી ગયા હતાં. આ વખતે બહાર દૂર ઉભેલા બે મિત્રોએ બૂમાબૂમ કરી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. લાશ્કરોએ બંનેને કેનાલમાંથી બહાર કાઢ્યા ત્યારે બંને મૃત્યુ પામ્યા હતાં. બંને તબીબી સ્ટુડન્ટોના પરિવારજનોને જાણ કરાતા તેઓ મોડી રાત્રે જ વડોદરા આવી ગયા હતાં.આદિત્યનો પરિવાર હાલ સુરતમાં રહે છે પરંતુ તેઓ મૂળ મદુરાઇના વતની છે. આદિત્યની આંખોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે પરિવારનો એક જ પુત્ર હતો તેવી જ રીતે પ્રેમ પણ માતા-પિતાનો એકનો એક પુત્ર હતો.








