જામનગરમાં હુમલાના બે બનાવમાં યુવાન સહિત બે ઘવાયા : પાંચ સામે પોલીસમાં ફરિયાદ
Jamnagar Crime : જામનગર શહેરમાં ધરાર નગર અને હાલાર હાઉસ પાસે ઝઘડાના બે બનાવમાં યુવાન સહિત બે લોકોને મારકુટ અને હુમલામાં ઇજા પહોંચી હતી, આ બંને બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ અલગ અલગ ફરિયાદ દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા સહિતની કામગીરી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના ધરાનગર વિસ્તારમાં રહેતો જીકર જાકીરભાઇ ભાયા નામનો યુવાન પોતાના ઘરની બહાર નીકળતા રમજાન તાલબભાઈ, અસગર તાલબભાઈ, યાસીન સમેજા, મુબારક સમેજા મેનના શખ્સો જોરજોરથી ગાળો બોલતા હોય આથી તેઓને સમજાવવા જતા ઉશ્કેરાયેલા શખ્સોએ તેના ઉપર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે તેમજ આડેધડ ઢીકાપાટુ ફટકારી તથા તલવાર વડે હુમલો કરી માથાના કપાળના ભાગે તેમજ આંખમાં અને વાસાના ભાગે ઇજાઓ પહોંચાડી તેમજ તેની દીકરીને મારી નાખવાની ધમકી આપી ચારેય શખ્સ નાસી ગયા હતા આ બનાવ અંગે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા જીકરભાઈ નામના યુવાનની ફરિયાદ પરથી સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા આગળની તપાસ આરંભી હતી.
ઉપરાંત જામનગરમાં હાલાર હાઉસ પાસે રહેતા લાલ બહાદુર વિશ્વકર્મા નામના વ્યક્તિના દીકરા સાથે બોલાચાલી કરી કરણભાઈ નામના શખ્સે તેના દીકરાને કાન પાસે ઝાપટો ફટકારી હતી ઉપરાંત લાલ બહાદુરભાઇના પત્ની વચ્ચે બચાવવા પડતા તેઓને પણ ગાળો કાઢી અને લાલ બહાદુરભાઇને મારી નાખવાની ધમકી આપતા તેઓએ કરણાભાઈ નામના શખ્સ સામે સીટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.