Gujarat

વડોદરાના મિત્રોની કારને સાપુતારા રોડ પર અકસ્માત : બે ને ઇજા

By GS TEAM
5 Oct 20251 min read
વડોદરાના મિત્રોની કારને સાપુતારા રોડ પર અકસ્માત : બે ને ઇજા

વડોદરા,સાપુતારાથી વઘઇની વચ્ચે સામેથી સફેદ લાઇટવાળી આઇશર ગાડી આવતા વડોદરાના ચાર મિત્રોની કાર રોડની સાઇડ પર ઉતરી જતા ઇજા થઇ હતી. એક વ્યક્તિને માથામાં ગંભીર ઇજા થતા બે દિવસ સુધી બેહોશ રહ્યા હતા.

તરસાલી વિશાલ નગરમાં રહેતા પંકજ પાટિલ ગત બુધવારે કાર લઇને ત્રણ મિત્રો સાથે શિરડી દર્શન કરવા ગયા હતા. દશેરાના દિવસે દર્શન કરીને તેઓ પરત વડોદરા આવી રહ્યા હતા. રાતે ૧૧ વાગ્યે સાપુતારાથી વઘઇ રોડ પર જામલાપાડા ગામ પાસેના વળાંક પર સામેથી સફેદ લાઇટવાળી આઇશર ગાડી આવતા  તેઓની કારના ચાલકની આંખો અંજાઇ ગઇ હતી. કારના સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડના સાઇડ પરના ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં બિરને પટેલ ( ઉં.વ.૫૩) (રહે. અમર શ્રદ્ધા સોસાયટી, દંતેશ્વર રિંગ રોડ) તથા ચિરાગ શાહ ( ઉં.વ.૫૦) (રહે. શરદ નગર, તરસાલી) ને ઇજા થઇ હતી. જ્યારે પંકજ પાટિલ અને મહેન્દ્રભાઇ શિંદેને સામાન્ય ઇજા થઇ હતી.  બિરેન પટેલને દાઢીના ભાગે ઇજા થતા ૧૮ ટાંકા આવ્યા હતા. જ્યારે ચિરાગ શાહને માથામાં ગંભીર ઇજા થતા બે દિવસ સુધી બેભાન રહ્યા હતા. હાલમાં તેઓ અલકાપુરીની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ  રહ્યા છે. તેઓની તબિયત સુધારા પર છે.