આણંદ, બોરસદ તાલુકામાં બે અને સોજીત્રા, પેટલાદમાં એક ઈંચ વરસાદ
જિલ્લામાં બુધવાર મધરાતે ધોધમાર વરસાદ
સરેરાશ એક ઈંચ વરસાદ પડયો : ભાલ પંથકમાં ડાંગરના ધરૂવાડિયા બગડતા નવેસરથી તૈયારી
આણંદની ડીઝાસ્ટર કચેરીના અહેવાલ અનુસાર બુધવારે દિવસભર અસહ્ય ઉકળાટ બાદ રાત્રીના ૧૦ વાગ્યા બાદ વરસાદ શરૂ થયો હતો. ૧૦થી ૧૨મા સામાન્ય વરસાદ પડયા બાદ રાત્રીના બાર વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આણંદમાં રાતે બેથી ચારની વચ્ચે ૨૦ મિ.મી, બોરસદમાં ૪થી ૬ની વચ્ચે ૩૬ મિ.મી. વરસાદ ખાબક્યો હતો. ત્યારે બંને શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
આજે ગુરુવારે સવારે છ વાગ્યે ૨૪ કલાક દરમ્યાન તારાપરમાં ૪, સોજીત્રામાં ૨૪, ઉમરેઠમાં ૫, આણંદમાં ૪૪, પેટલાદમાં ૨૨, ખંભાતમાં ૨, બોરસદમાં ૪૬ મિ.મી. જેટલો વરસાદ પડયો હતો. જિલ્લામાં મોસમનો કુલ વરસાદ ૪૦૭.૩૮ મિ.મી. જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે.
જિલ્લામાં ખાસ કરીને ભાલ પંથકમાં ડાંગરનું વાવેતર મોટાપાયે શરૂ થઈ ગયું છે. ધરૂવાડીયા તૈયાર થતાની સાથે જ હવે ખેડૂતોએ રોપણીનું કાર્ય શરૂ કરી દીધું છે. આણંદ જિલ્લાના આણંદ, પેટલાદ, બોરસદ, આંકલાવ અને ઉમરેઠમાં મોટાભાગે ધરૂવાડિયાની રોપણી થઈ જવા પામી છે. જ્યારે ભાલ પંથકમાં હવે શરૂ થઈ છે જે જુલાઈના અંત સુધી ચાલશે. ભાલ પંથકમાં સીઝનમાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતાં ડાંગરના ધરૂવાડિયા બગડી જવાના લીધે નવેસરથી ખેડૂતોએ ધરૂવાટિયા તૈયાર કરવા પડયા હતા.