Gujarat

આણંદ જિલ્લામાં રવિવારે મોડી રાતે તારાપુરમાં બે ઈંચ વરસાદ ખાબક્યો

By GS TEAM
17 Jun 20252 mins read
આણંદ જિલ્લામાં રવિવારે મોડી રાતે તારાપુરમાં બે ઈંચ વરસાદ ખાબક્યો

- ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

- આણંદમાં 1 ઈંચ, બોરસદ, આંકલાવ કોરા : સોમવારે અસહ્ય ઉકળાટ બાદ સાંજે શહેરમાં વરસાદ પડયો : વરસાદ પડતાની સાથે જ વીજ પુરવઠો ખોરવાતા તંત્ર સામે આક્રોશ

આણંદ : આણંદ જિલ્લામાં સોમવાર સવારથી જ અસહ્ય ઉકળાટ અને બફારા બાદ સાંજના ચાર વાગ્યા પછી એકાએક આકાશમાં વાદળો ચડી આવતા આણંદમાં અડધો કલાક સુધી વરસાદ પડયો હતો. ત્યારે રવિવારે મોડી રાતે જિલ્લામાં ભારે વરસાદ પડયો હોવાનું માલુમ પડયું છે. જિલ્લાના તારાપુરમાં બે, આણંદમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો.

આણંદ જિલ્લામાં રવિવારે મોડી રાતે અચાનક વરસાદ શરૂ થયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ તારાપુરમાં ૫૩ મિ.મી., આણંદમાં ૨૪ મિ.મી., સોજીત્રામાં ૧૬ મિ.મી., પેટલાદમાં ૯ મિ.મી., ખંભાતમાં માત્ર ૧ મિ.મી. વરસાદ પડયો હતો. જ્યારે બોરસદ અને આંકલાવમાં વરસાદ વરસાદ થયો ન હતો. 

આણંદ જિલ્લામાં રવિવારે મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં પવન ફૂંકાવાની સાથે જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો આણંદ શહેર સહિત કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ બાદ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રવિવારે મોડી રાત્રે ઝડપી પવન ફૂંકાતા શહેરમાં ભારે પવનથી ઘણા હોડગ નમી પડયાં હતા. વરસાદ સાથે વીજ પુરવઠો પણ ખોરવાઈ જતા એમજીવીસીએલ તંત્ર સામે લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો. જિલ્લાભરમાં રવિવારે રાત્રે વરસાદ બાદ સોમવારે ઉકળાટ અને ભારે ગરમીથી લોકો ત્રાસી ગયા હતા. ત્યારે જિલ્લાભરમાં સોમવારે બપોરના ત્રણ વાગ્યા પછી એકાએક આકાશમાં વાદળો ઘસી આવતા અંધારૂ છવાયું હતું. બાદમાં આણંદમાં અડધો કલાક સુધી ધીમીધારે વરસાદ પડયો હતો. 

આણંદના મોટી ખોડિયારમાં કિચડમાં વાહનો ફસાયા

આણંદ શહેરની મોટી ખોડિયાર વિસ્તારમાં વરસાદને કારણે કિચડ થતા વાહન વ્યવહારમાં તકલીફો સર્જાઈ હતી. ભાલેજ બ્રિજ પાસેની સોસાયટીઓમાં પણ નીચાણ વાળા વિસ્તારોમાં થોડા સમય માટે પાણી ભરાયા હોવાનું જણાયું હતું. વરસાદ બંધ રહેતા પાણી ઓસરી ગયા હતા.