Get The App

આણંદ અને આંકલાવ તાલુકામાં ભારે પવન સાથે બે-બે ઈંચ વરસાદ

Updated: May 29th, 2025

GS TEAM

Google News
Google News
આણંદ અને આંકલાવ તાલુકામાં ભારે પવન સાથે બે-બે ઈંચ વરસાદ 1 - image

જિલ્લામાં બુધવારની મધ્યરાત્રીએ વાતાવરણ પલટાયું

વાતાવરણમાં ઠંડક પ્રસરી, સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

આણંદ: આણંદ જિલ્લામાં બુધવારે મધ્યરાત્રી બાદ એકાએક ભારે વરસાદ તૂટી પડયો હતો. જિલ્લાના આણંદ અને આંકલાવ તાલુકામાં બે-બે ઈંચ વરસાદ સાથે અન્ય તાલુકામાં પણ વરસાદ નોંધાયો હતો. જિલ્લાભરમાં વરસાદને કારણે ઠંડક પ્રસરી ગઈ હતી પરંતુ, કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. 

આણંદ જિલ્લામાં બુધવારે મહત્તમ તાપમાન તાપમાન ૩૭ ડિગ્રી, લઘુત્તમ ૨૪ અને ૮૦ ટકા ભેજનું પ્રમાણ રહ્યું હતું. ત્યારે મધ્યરાત્રી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જોરદાર પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. રાતના બે વાગ્યા બાદ પવનના સુસવાટા સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. રાતના બેથી ચાર વાગ્યાના સમયગાળામાં આણંદ તાલુકામાં ૪૩ મિ.મી., આંકલાવમાં ૫૦ મિ.મી., તારાપુરમાં ૪ મિ.મી., સોજીત્રામાં પાંચ મિ.મી., ઉમરેઠમાં ૧૯ મિ.મી., પેટલાદમાં ૮ મિ.મી., ખંભાતમાં ૩ મિ.મી. અને બોરસદમાં ૮ મિ.મી. વરસાદ પડયો હતો. આ સાથે જિલ્લામાં કુલ ૧૭.૧૩ મિ.મી. જેટલો સાર્વત્રિક વરસાદ પડયો હતો. જિલ્લાનો મોસમનો કુલ વરસાદ ૧૦૨.૩૮ મિ.મી. જેટલો થઈ જવા પામ્યો છે.

ગુરૂવારે સવારથી જ આકાશમાં વાદળો છવાયેલા રહેતા તાપમાનનો પારો ૩૩ ડિગ્રીએ રહ્યો હતો. પવનની ગતિ ૧૦ કિ.મી. સાથે ૬૩ ટકા ભેજનું પ્રમાણ નોંધાયું હતું. ત્યારે આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. 

- આણંદ શહેરની  સોસાયટીઓમાં પાણી ભરાયા

આણંદ શહેરમાં બુધવારે મોડી રાત્રે વરસાદ પડતાં શહેરના ૧૦૦ ફૂટ રોડ, અટલ સર્કલ, ચાવડાપુરા, રોયલ પાર્ક, પીનલ પાર્ક, ઇસ્માઇલનગર, ઉમરીનગર, સહિતની પાલિકાની સોસાયટીઓમાં વરસાાદી પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે સવારે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

- આંકલાવમાં વીજ ફોલ્ટથી ૧૦ ગામોમાં વીજળી ડૂલ

આંકલાવમાં ભારે પવન સાથે વરસદા પડતાં કેટલાંક વિસ્તારમાં વીજ લાઇનમાં ફોલ્ટ સર્જાયો હતો. જેના પરિણામે ૧૦થી વધુ ગામોમાં વીજળી ડુલ થઇ ગઈ હતી. જો કે હાલમાં ઉનાળુ પાક ખેતરોમાં નહીં હોવાથી કોઇ નુકસાન થવા પામ્યું નથી.