Get The App

વાપીના સુલપડમાં ગેરકાયદે ઉભી કરાયેલી બે દુકાનોને જેસીબીથી દુર કરાઈ

Updated: Apr 19th, 2025

GS TEAM

Google News
Google News
વાપીના સુલપડમાં ગેરકાયદે ઉભી કરાયેલી બે દુકાનોને જેસીબીથી દુર કરાઈ 1 - image

વાપીના ચણોદથી ગાંજાના જથ્થા સાથે પકડાયેલી મહિલાએ સુલપડ વિસ્તારમાં ગેરકાયદે બે દુકાનોના કરાયેલા બાંધકામને આજે શનિવારે વાપી મનપાના અધિકારી અને ટીમે પોલીસ કાફલા વચ્ચે જેસીબીની મદદથી દુર કરાયું હતું. ગાંજાના જથ્થા સાથે પકડાયેલી મહિલાએ વેપારના નાણાંમાંથી રૂ. 5 લાખના ખર્ચે બે દુકાન બનાવી હોવાનું જણાવ્યા બાદ તપાસમાં ગેરકાયદે બાંધકામ કરાયાનું બહાર આવ્યું હતું.

વાપીના ચણોદ ગામે શાંતિનગરમાં આવેલા મકાનમાંથી વલસાડ જીલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે થોડા સમય અગાઉ છાપો મારી 10.08 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો જપ્ત કરી નેટવર્ક ચલાવનાર મંગલાબેન નીરજભાઈ શ્રીવાસ્તવ, બે તરૂણ સહિત 8 આરોપીઓની અટક કરી હતી. મહિલા આરોપીની પૂછપરછ દરમિયાન ગેરકાયદેસરના ધંધામાંથી મળેલી આવકમાંથી રૂ. 5 લાખના ખર્ચે સુલપડ વિસ્તારમાં આંબેડકર નગરમાં બે દુકાનો બનાવી હોવાનું પોલીસને જણાવ્યું હતું.

પોલીસ અધિકારી દ્વારા આ અંગે વાપી મનપા પાસેથી વિગતો મેળવી તપાસ કરતા બંને દુકાનો ગેરકાયદેસર રીતે ઉભા કરાયાનું બહાર આવ્યું હતું. વાપી ટાઉનના પીઆઈ કે.જે.રાઠોડે આ અંગે વાપી મહાનગરપાલિકાનું ધ્યાન દોરતા દુકાનનું બાંધકામ ગેરકાયદેસર કરાયાનું જણાયુ હતું. આજે શનિવારે વાપી મનપાના અધિકારીની ટીમ પોલીસ કાફલા સાથે આંબેડકર નગરમાં પહોંચી જેસીબીની મદદથી દુકાનના કરાયેલા બાંધકામને દુર કરવા કાર્યવાહી આદરી હતી.