ઉમરગામના બે હોમગાર્ડ રૂ.4500ની લાલચ લેતા રંગેહાથ પકડાયા
Valsad News : વલસાડ-ડાંગ જિલ્લા લાંચ રૂશ્ર્વત વિભાગે આજે ગુરૂવારે સંજાણમાં બે હોમગાર્ડને રૂ.4500ની લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યા હતા. બન્ને આરોપીએ એક શખ્સ પાસે મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવા માસિક રૂ.5 હજારની માંગણી કરી હતી.
ઉમરગામ પોલીસ મથકના અનિલભાઇ બાબુભાઇ ધોડી (ઉ.વ.38) અનેહોદ્દો-હોમગાર્ડ સુજીત ઇન્દ્રબલી સીંઘ (ઉ.વ.36) એ એક શખ્સ મહારાષ્ટ્રથી ગુજરાતમાં વાહન મારફતે દારૂની હેરાફેરી કરતો હોવાથી તેને બોલાવ્યો હતો. બાદમાં બન્ને હોમગાર્ડે મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂ લાવવો હોય તો માસિક રૂ.5 હજાર હપ્તો આપવા માંગણી કરી હતી. જો કે શખ્સે હપ્તાની માંગણી કરતા લાંચ રૂશ્વત વિભાગમાં ફરિયાદ કરી દીધી હતી.
ફરિયાદના આધારે વલસાડ-ડાંગ જિલ્લા લાંચ રૂશ્ર્વત વિભાગના પી.આઇ. જે.આર.ગામીત અને ટીમે આજે ગુરૂવારે છટકુ ગોઠવ્યું હતું. તે દરમિયાન સંજાણ ગામે ચારરસ્તા નજીક પી.એચ.સી.ની ગલી પાસે ફરિયાદી બન્ને હોમગાર્ડ પાસે પહોંચી વાતચીત કરતા અનિલ ધોડીએ ફરિયાદીને રૂ.500 ઓછા આપવાનું જણાવ્યા બાદ રૂ.4500 આપતા જ એસીબીના અધિકારીએ બન્ને લાંચિયા હોમગાર્ડને લાંચ લેતા રંગેહાથ પકડી પાડયા હતા. એસીબીએ બન્ને આરોપીની ધરપકડ કરી આગળની વધુ તપાસ આદરી છે.