પોલીસ પર હુમલો કરીને ભાગી ગયેલા બે રીઢા ઘરફોડ ચોર પકડાયા
કારમાંથી તલવાર, ખંજર અને પાઇપ મળી આવતા વધુ એક ગુનો દાખલ થયો
વડોદરા,સમા વિસ્તારમાં પોલીસે ઘેરી લેતા સિકલીગર ગેંગના ત્રણ પૈકીના બે આરોપીઓ પોલીસ વાનને ટક્કર મારી ભાગી ગયા હતા. જ્યારે એક પકડાઇ ગયો હતો. આજે ડીસીબી પોલીસે અન્ય બે આરોપીઓને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડયા છે.
૧૫ દિવસ અગાઉ રાતે સિકલીગર ગેંગના ત્રણ રીઢા આરોપીઓ ચોરીની કાર લઇને વહેલી સવારે સાડા ચાર વાગ્યે સમા શક્તિ પાર્ક સોસાયટીમાં ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા ત્યાં સમા અને ડીસીબી પોલીસની ટીમ પહોંચી જતા પોલીસે તેઓને કોર્ડન કરી લીધા હતા. પરંતુ, આરોપીઓ પોલીસ પર તલવારથી હુમલો કરવાની કોશિશ કરી પોલીસ વાનને તથા સોસાયટીમાં પાર્ક એક કારને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, એક આરોપી રણજીતસિંગ સિકલીગર ઝડપાઇ ગયો હતો. તેની પૂછપરછમાં ગુરૃમુખસિંગ કલ્લુસિંગ બાવરી (રહે. સયાજીપુરા ગામ) તથા સુનિલસિંગ અર્જુનસિંગ બાવરી (રહે.દુમાડ, નવી નગરી) ના નામો ખૂલ્યા હતા. આજે ડીસીબી પોલીસની ટીમે આજવા રોડ સિદ્ધેશ્વર હિલ નજીક કાર પાર્ક કરીને બેઠેલા બંને આરોપીઓને કોર્ડન કરી લીધા હતા. પોલીસથી બચવા આરોપીએ કાર ચાલુ કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, પોલીસે જરૃરી બળ વાપરી કારની ચાવી કાઢી લઇ આરોપીઓને ઝડપી પાડયા હતા. પોલીસે કારમાંથી તલવાર, ખંજર અને લોખંડની બે પાઇપ કબજે કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી તલવાર, ખંજર, પાઇપ, બે મોબાઇલ ફોન, રોકડા દોઢ હજાર,કાર અને બાઇક મળી કુલ રૃપિયા ૩.૪૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.