ઓરીએન્ટ ક્લબના કમીટી અને સભ્યો વચ્ચે છુટા હાથની મારમારીની ઘટના
મેમ્બરશીપ સસ્પેન્ડ કરવાનો મામલો
ઓરીએન્ટ ક્લબમાં સભ્યોની જાણ બહાર અનેક ગેરકાયદે કામ ચાલતા હોવાનો આક્ષેપ
અમદાવાદ,બુધવાર
એલીસબ્રીજ વિસ્તારમાં આવેલી ઓરીએન્ટ ક્લબમાં મંગળવારે રાતના સમયે એક સભ્યને સસ્પેન્ડ કરવાના મામલે સભ્ય અને કમિટી મેમ્બરના જુથ વચ્ચે છુટા હાથની મારામારી થયાની ઘટના બની હતી. જેમાં ચારથી પાંચ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. આ સમગ્ર મામલે એલિસબ્રીજ પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
વેજલપુરમાં આવેલી રૂપજ્યોતિ સોસાયટીમાં રહેતા ભદ્રેશભાઇ શાહ ઓરીએન્ટ ક્લબમાં મેમ્બરશીપ ધરાવે છે. મંગળવારે રાતના સમયે તેમના પરિવાર સાથે ક્લબ ખાતે ગયા હતા. ત્યારે ઓરીએન્ટ ક્લબના કમિટી મમ્બર દિવ્યાંગ શાહે તેમના પુત્ર આરસીસીનો પથ્થર માર્યો હતો. કારનો દરવાજો પછાડ્યો હતો. આ સમયે અન્ય લોકો સાથે પણ દિવ્યાંગ શાહને મારામારી થઇ હતી. ત્યારે ક્લબના રાજેન્દ્ર ત્રિવેદી અને રાજુ નારંગના માણસોએ ભદ્રેશભાઇના પરિવાર સાથે મારામારી કરી હતી.
ત્યારે આ બનાવના અનુસંધાનમાં દિવ્યાંગ શાહે નોંધાવેલી ક્રોસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ભદ્રેશભાઇ શાહ કમિટી દ્વારા બનાવવામાં આવેલા નિયમોનો ભંગ કરતા હતા અને તેમને ક્લબ દ્વારા નોટીસ પણ આપવામાં આવી હતી પરંતુ, તેમણે નોટીસ સ્વીકારી નહોતી. જેથી કમિટીએ ભદ્રેશભાઇ માટે ક્લબમાં પ્રવેશ પર પાબંદી લગાવી હતી. જેથી તે આ મામલે પોલીસને ફોન કરીને ક્લબમાં નકારાત્મક વાતાવરણ બનાવતા હતા.
મંગળવારે તેમણે મેમ્બરશીપ શા માટે રદ કરી ? તેમ કહીને તકરાર કરી હતી અને ભદ્રેશભાઇ તેમજ અન્ય લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. આ બનાવ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ થતા એલિસબ્રીજ પોલીસે બંનેપક્ષે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે.
આ કેસના ફરિયાદી ભદ્રેશભાઇ શાહના પુત્રી હેતા શાહે જણાવ્યું કે ઓરીએન્ટ ક્લબમાં સભ્યોની જાણ બહાર અનેક ગેરકાયદે કામ ચાલે છે. જેમાં બહારથી લોકોને જુગાર માટે બોલાવવાની સાથે સટ્ટા બેટિંગ પણ રમાડવામાં આવતી હોવાની બાબતો ધ્યાને આવી હતી. આ ઉપરાંત, કેટલાંક માથાભારે સભ્યો અને કમિટી ક્લબના સભ્યોની રજૂઆતને ધ્યાનમાં લીધા વિના આપખુદ રીતે વર્તન કરવામાં આવે છે. જે અંગે અનેકવાર રજૂઆત થઇ હોવા છતાંય કોઇ કામગીરી કરવામાં આવી નહોતી.