સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ ધરાવતી બે બાળકીના મોત
અત્યારસુધી ૨૨ બાળકો સારવાર માટે આવ્યા : ૧૪ના મોત થયા
વડોદરા,સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો ધરાવતી પંચમહાલની ૬ વર્ષની બાળકી અને છોટાઉદેપુરની ૬ મહિનાની બાળકીના સારવાર દરમિયાન મોત થયા છે.સયાજીમાં અત્યારસુધી ૨૨ બાળકો સારવાર માટે આવ્યા હતા. જે પૈકી ૧૪ બાળકોના મોત થયા છે.
સયાજી હોસ્પિટલના પિડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં છેલ્લા ૩૦ દિવસમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો ધરાવતા ૨૨ બાળકો સારવાર માટે દાખલ થયા છે. ઝાડા ઉલટી, તીવ્ર તાવ અને માથાના દુખાવાની ફરિયાદ સાથે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા ૨૨ બાળકો પૈકી હજી એકપણ બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. પરંતુ, બાળકોમાં ચાંદીપુરા જેવા જ લક્ષણો હોવાથી બાળકીની પિડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં તેઓની સારવાર શરૃ કરવામાં આવી હતી.પંચમહાલની ૬ વર્ષની બાળકી અને છોટાઉદેપુરની ૬ મહિનાની બાળકીના સારવાર દરમિયાન મોત થયા છે. સારવાર હેઠળના ૭ બાળકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે એક બાળક હજી સારવાર હેઠળ છે. વડોદરા શહેર જિલ્લાના કુલ પાંચ બાળકો બીમાર પડયા હતા. જે પૈકી એક બાળકનું મોત થયું છે.