Get The App

નિઝામપુરાના નારી સંરક્ષણ ગૃહમાંથી બેન્કોક અને યુપીની બે યુવતી પરોઢિયે 12 ફૂટની વોલ કૂદીને ફરાર

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
નિઝામપુરાના નારી સંરક્ષણ ગૃહમાંથી  બેન્કોક અને યુપીની બે યુવતી પરોઢિયે  12 ફૂટની વોલ કૂદીને ફરાર 1 - image

વડોદરાઃ શહેરના નિઝામપુરા વિસ્તારના નારી સંરક્ષણ ગૃહમાંથી ફરી એક વાર  બે યુવતીઓ  ભાગી છૂટવાનો  બનાવ બનતાં પોલીસની ટીમો દોડતી થઇ છે.

અકોટા ખાતેથી સ્પામાંથી પોલીસે બેન્કોકની એક યુવતીને ઝડપી પાડી હતી અને તા.૧૫-૧૦-૨૪ના રોજ નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી.જ્યારે,યુપીની એક યુવતીનું અપહરણ કરી યુવકે બળાત્કાર ગુજારતાં જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ઓક્ટોબર-૨૦૨૩માં ફરિયાદ નોંધાઇ હતી.આ કેસમાં યુવતીના પરિવારજનોએ રાખવાનો ઇનકાર કરતાં તેને સુભાનપુરાના ચિલ્ડ્રન હોમથી ગઇ તા.૨જી જૂને જ નારી સંરક્ષણ ગૃહમાં ટ્રાન્સફર કરાઇ હતી.

આ બંને યુવતી તા.૫મી જૂલાઇ ના રોજ નહિ દેખાતાં તેમની શોધખોળ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન તેઓ પરોઢિયે ૪ થી ૫ ના ગાળામાં આશરે ૧૨ ફૂટની દીવાલ પાસે ટેબલ ગોઠવીને કૂદીને ભાગી છૂટી હોવાનું જણાઇ આવ્યું હતું.

પ્રાથમિક તપાસ બાદ  બંનેનો પત્તો નહિ લાગતાં ફતેગંજ પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી ક્રાઇમ બ્રાન્ચ,એસઓજી અને પીસીબી સહિતની ટીમોની મદદ લઇ પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે.

ત્રણ બાંગ્લાદેશી યુવતીઓ આવી જ રીતે ભાગી હતી

હાવડા-અમદાવાદ ટ્રેનમાંથી માર્ચ-૨૦૨૩માં બે બાંગ્લાદેશી અને એક બંગાળી યુવતી ગેરકાયદે મુસાફરી કરતા પકડાઇ હતી.તેમના આધાર કાર્ડ પણ બોગસ જણાઇ આવ્યા હતા.જેથી પોલીસે ત્રણેયને નિઝામપુરાના નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી.ગણતરીના દિવસોમાં જ આ ત્રણેય યુવતીઓ રાતે ૩ વાગ્યાના અરસામાં અંદાજે ૧૨ ફૂટની દીવાલ કૂદીને ભાગી છૂટી હતી.જે પૈકી બે યુવતી મળી હતી.પરંતુ એક યુવતીનો હજી પત્તો નથી.

Tags :