પાટણમાં તળાવમાં ન્હાવા પડેલી બે બાળકીઓના ડૂબી જવાથી મોત, સમગ્ર ગામમાં શોકની લહેર
Patan News: પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોલાડા ગામના તળાવમાં બે બાળકીઓના ડૂબી જવાથી મોત થયા છે. નાયક પરિવારની મહિલાઓ કપડા ધોવા માટે તળાવ ગયા હતા. આ દરમિયાન પરિવારની બંને દીકરીઓ તળાવમાં ન્હાવા પડી હતી અને ઊંડા ભાગમાં પહોંચી ગયા બાદ ડૂબવા લાગી હતી. નાયક પરિવારની બે દીકરીઓના ડૂબી જવાથી મોત થયા છે. આ ઘટનાએ સમગ્ર ગામમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.
બનાવને પગલે ધટના સ્થળે દોડી આવેલા સ્થાનિક તરવૈયાઓએ બન્ને માસુમના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે શંખેશ્વર આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ પોલીસને થતાં પોલીસે પણ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.