Gujarat

મહારાષ્ટ્રના યુવાન સાથે ભાવનગરના બે ગઠિયાએ છેતરપિંડી આચરી

By GS TEAM
28 Aug 20252 mins read
મહારાષ્ટ્રના યુવાન સાથે ભાવનગરના બે ગઠિયાએ છેતરપિંડી આચરી

- ઓછા ભાવે અમેરિકન ડોલર મેળવવાની લાલચે યુવક ભાવનગર આવ્યો હતો

- વોરા બજારમાં યુવકના રૂ. 2.35 લાખ લઈને રફૂચક્કર થનારા બન્ને શખ્સો સામે ગુનો નોંધાયો

ભાવનગર : ઓછા ભાવે અમેરિકન ડોલર મેળવવાની લાલચે ભીવંડીથી ભાવનગર આવેલા યુવક સાથે ભાવનગરના બે શખ્સોએ રૂ.૨.૩૫ લાખની છેતરપિંડી આચરી છે. બનાવ અંગે ભીવંડી મહારાષ્ટ્રથી આવેલા શખ્સે ગંગાજળિયા પોલીસ મથકમાં બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભીવંડી ખાતે રહેતા અબ્દુરરહેમાન વસીઉદ્દીન ઉમરી અંસારી  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ મારફત રાજ એસોસિએટ નામના એકાઉન્ટ ધારક સાથે અનસ નામના શખ્સ સાથે સંપર્ક થયો હતો અને ગત તા.૨૦-૮ના રોજ વ્હોટ્સ એપ પર વાત થતાં અનસે તેમને ઓછા ભાવે અમેરિકન ડોલર જોઈતા હોય તો કહેજો તમને મળી જશે તેમ જણાવ્યું હતું. જેથી તેઓ વિશ્વાસમાં આવી જતાં ગત તા.૨૫-૮ના રોજ સવારે ભીવંડીથી ભાવનગર આવ્યા હતા. બાદમાં અનસનો સંપર્ક કરતા અનસ અને તેનો મિત્ર પાર્થ તેને લેવા માટે આવ્યા હતા. બાદમાં ડોલર અંગે પુછતા અનસે જણાવ્યું હતું કે, તમને જોઈએ એટલા ડોલર મળી જશે પહેલા થોડાં ડોલર લઈ જાવ. જે બાદ ડોલર લેવા માટે તેણે ભીવંડીથી આંગડિયા મારફત રૂ.૨.૩૪ લાખ મંગાવ્યા હતા તે રૂપિયા લઈ ત્રણેય અમેરીકન ડોલર લેવા માટે એક્ટિવામાં નિકળ્યા અને શહેરના વોરા બજાર વિસ્તારમાં અનસે એક્ટિવા ઉભુ રાખી રોકડા લઈ ડોલર લઈને આવું તેમ કહી નિકળી ગયો હતો અને થોડા અંતરે જઈ તેણે પાર્થને ફોન કરી ભાગી જવાનું કહેતા પાર્થ પણ એક્ટિવા લઈને રફૂચક્કર થઈ ગયો હતો. આ અંગે અબ્દુરરહેમાન વસીઉદ્દીન ઉમરી અંસારીએ ગંગાજળિયા પોલીસ મથકમાં અનસ અને પાર્થ નામના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.