- આંકલાવના રેલવે ફાટક નજીકથી
- પોલીસે દોરીના જથ્થા સહિતની 58 હજારની મત્તા જપ્ત કરી ગુનો નોંધ્યો
આણંદ : આંકલાવના રેલવે ફાટક નજીકથી રવિવારની સાંજના બાઈક ઉપર ચાઈનીઝ દોરીની ફિરકીઓ લઈને જઈ રહેલા બે શખ્સો ઝડપાયા હતા. પોલીસે કુલ રૂપિયા ૫૮,૦૦૦નો મુદ્દામાલ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આંકલાવ પોલીસને બે શખ્સો બાઈક ઉપર પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફિરકીઓ લઈને આંકલાવના રેલવે ફાટક નજીકથી પસાર થવાના હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસની ટીમ રેલવે ફાટક નજીક વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમિયાન બે શખ્સો બાઈક ઉપર આવી પહોંચતા પોલીસે તેમને અટકાવ્યા હતા અને તપાસ કરતા તેમની પાસેથી ચાઈનીઝ દોરીની કુલ ૨૦ નંગ ફિરકીઓ (કિંમત રૂપિયા બે હજાર) મળી આવી હતી. પોલીસે બંનેના નામઠામ અંગે પૂછતા શખ્સોએ રોહિતભાઈ ગણપતભાઈ ગોહિલ અને સંજયભાઈ નટુભાઈ ગોહિલ (બંને રહે. શેરખી, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ચાઈનીઝ દોરી, બે મોબાઈલ, બાઈક મળી કુલ રૂપિયા ૫૮,૦૦૦નો મુદ્દા માલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


