Gujarat

જામનગરથી ભોળેશ્વર મહાદેવના દર્શનાર્થે ડબલ સવારી બાઇકમાં જઈ રહેલા બે જીગરજાન મિત્રોને નડ્યો ગોઝારો અકસ્માત, એકનું મોત

By GS TEAM
30 Jul 20252 mins read
TukuTouch Logo
હરીપર નજીક એક રીક્ષા છકડાના ચાલકે બાઇકને ઠોકર મારતાં આશાસ્પદ ભાનુશાળી યુવાનનું અંતરીયાળ મૃત્યુ : જ્યારે તેના મિત્રને ઇજા હરીપર નજીક એક રીક્ષા છકડાના ચાલકે બાઇકને ઠોકર મારતાં આશાસ્પદ ભાનુશાળી યુવાનનું અંતરીયાળ મૃત્યુ : જ્યારે તેના મિત્રને ઇજા

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરથી ભોળેશ્વર મહાદેવના દર્શનાર્થે ડબલ સવારી બાઇકમાં જઈ રહેલા બે જીગરજાન મિત્રોને નડ્યો ગોઝારો અકસ્માત, એકનું મોત

Jamnagar Accident : જામનગરથી ભોળેશ્વર શ્રાવણ માસના સોમવારને લઈને દર્શનાર્થે જઈ રહેલા બે જીગરજાન મિત્રોને લાલપુરના હરિપર નજીક ગોજારો અકસ્માત નડ્યો હતો. રીક્ષા છકડા અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બંને યુવાનો ઘાયલ થયા હતા, જે પૈકીના એક આશાસ્પદ ભાનુશાળી યુવાનનું અંતરીયાળ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે તેનો મિત્ર ઘાયલ થયો છે. જે મામલે રીક્ષા છકડાના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

 આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સુભાષપરા વિસ્તારમાં રહેતો અને એક કટલેરીની દુકાનમાં કામ કરતો પાર્થ અશોકભાઈ લખીયાર નામનો 22 વર્ષનો યુવાન તેની સાથે જ કામ કરતાં તેના મિત્ર દિપેશની સાથે શ્રાવણ માસના પ્રથમ સોમવારને અનુલક્ષીને જામનગરથી ભોળેશ્વર બાઇકમાં જઈ રહ્યો હતો. જેમાં દીપેશ બાઇક ચલાવતો હતો અને પાર્થ બાઈકમાં પાછળ બેઠો હતો.

 રવિવારની મોડી રાત્રે બંને યુવાનો બાઇક લઈને લાલપુર રોડ પર હરીપર ગામ નજીક પહોંચ્યા હતા, જે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા જી.જે. 10 ડબ્લ્યુ 4057 નંબરના રીક્ષા છકડાના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો, અને બાઈકની સીટમાં પાછળ બેઠેલા પાર્થ અશોકભાઈ લખિયારનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું છે. જયારે તેના મિત્ર દિપેશને ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પાર્થના કુટુંબી ભાઈ ધીરેન હરિભાઈ નંદાએ લાલપુર પોલીસ મથકમાં રીક્ષાછકડાના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં લાલપુરના એએસઆઈ એ.એમ.જાડેજા પોતાની ટીમ સાથે બનાવના સ્થળે અને ત્યારબાદ જી.જી.હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે રિક્ષા છકડાના ચાલક સામે ગુનો નોંધી માર્ગ પર રેઢો પડેલો રીક્ષા છકડો કબજે કર્યો છે, અને તેના ચાલકની શોધ ખોળ હાથ ધરી છે. 

મૃતક યુવાન અપરણીત હતો, અને તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. જે પોતાનું ઘરનું ગુજરાન ચલાવતો હતો. જેના નિધનને લઈને માતા પિતા નોંધારા બન્યા છે.