વાહનની ટક્કર વાગતા બાઇક સવાર બે મિત્રોનું કચડાઇ જતા મોત
મૂળ ઉત્તરાખંડના યુવકો વાઘોડિયા રોડની હોટલમાં વેઇટર તરીકે કામ કરતા હતા
વડોદરા,વાઘોડિયા ચોકડી હાઇવે પર આજે બપોરે એક વાહન ચાલકે બાઇક સવાર બે યુવકોને ટક્કર મારતા બંનેના ઘટના સ્થળે જ કરૃણ મોત થયા હતા. પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, અકસ્માત કરીને ભાગી ગયેલા વાહન ચાલકની ભાળ હજી મળી નથી.
ઉત્તરાખંડના નૈનીતાલ હલવાનીના ગોવિંદગ્રામ ખેડા ખાતે રહેતો રોહિત શંકરભાઇ રામ ( ઉં.વ.૨૧) તથા ઉત્તરાખંડના ઉધમસિંહનગર ખાતે રહેતો અજયકુમાર સુનિલભાઇ રામ (ઉં.વ.૨૩) પરિવાર ચાર રસ્તા પાસે આવેલી ક્રિષ્ણા રેસ્ટોરન્ટમાં વેઇટર તરીકે નોકરી કરતા હતા. આજે સવારે બંને મિત્રો બાઇક લઇને કામ માટે નીકળ્યા હતા. બપોરે તેઓ વાઘોડિયા ચોકડી હાઇવે પર તક્ષ ગેલેક્સી મોલની સામેથી જતા હતા. તે દરમિયાન પાછળથી આવતા વાહન ચાલકે ટક્કર મારતા બંને મિત્રો રોડ પર ફંગોળાઇને પડયા હતા. અજયકુમારના બંને પગ તૂટી ગયા હતા, કમરની નીચેનો ભાગ છુંદાઇ ગયો હતો તેમજ જમણા હાથે પઇ ઇજા પહોંચી હતી. જ્યારે રોહિતનું માથું છુંદાઇ ગયું હતું, તેમજ ગળા અને અન્ય જગ્યાએ ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર ઇજાઓના કારણે બંનેના ઘટના સ્થળે જ કરૃણ મોત થયા હતા. મૃતકોને થયેલી ઇજા જોતા તેઓ પરથી વાહનના પૈડા ફરી વળ્યા હોવાનું લાગી રહ્યું છે. કપુરાઇ પોલીસ સ્ટેશનના હે.કો. રવિન્દ્રસિંહે ઘટના સ્થળે જઇ બંને મૃતદેહોને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
દુમાડ ચોકડી નજીક વાહનની અડફેટે બાઇક સવારનું મોત
બાઇક પર સવાર અન્યને ઇજા થતા એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડાયો
વડોદરા,દુમાડ ચોકડી નજીક મોડી સાંજે બાઇક સવારને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા સ્થળ પર જ તેનું મોત થયું હતું.જે અંગે સમા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સમા જાનકીધામ સોસાયટીમાં રહેતો ૧૯ વર્ષનો ગોવિંદ તોલીયાભાઇ ડામોર આજે સાંજે બાઇક લઇને દુમાડ ચોકડી નજીકથી પસાર થતો હતો. તે દરમિયાન સાંજે સાડા સાત વાગ્યે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગોવિંદ તથા બાઇકની પાછળ બેસેલા વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. ગોવિંદને ગંભીર ઇજા થતા સ્થળ પર જ તેનું મોત થયું હતું. જ્યારે તેની બાઇકની પાછળ બેસેલા વ્યક્તિને ઇજાગ્રસ્ત હાલતમાં એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમા પોલીસે ઘટના સ્થળે જઇ મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસે તેના પરિવારનો સંપર્ક કરી વધુ તપાસ હાથ ધરી છે.