પાવાગઢ દર્શને જતા વડોદરાના બે મિત્રોના અકસ્માતમાં મોત
વહેલી સવારે ચાર યુવકો બે બાઇક લઇને પાવાગઢ જવા નીકળ્યા હતા
જરોદ. માણેજાની સત્યનગર સોસાયટીમાં રહેતો ૨૨ વર્ષનો શિવાંક દિલીપકુમારસિંહ ક્ષત્રિય (રાજપૂત) મૂળ યુ.પી.નો વતની છે અને અહીંયા પરિવાર સાથે રહે છે. તેના પિતા સિક્યુરિટીમાં નોકરી કરે છે. શિવાંક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે.
ગઇકાલે શિવાંકનો નાનો ભાઇ અંશ (ઉં.વ.૨૦) તેના મિત્ર જીતેન્દ્ર કિરણકુમારની બાઇક પર તથા શિવાંક અને તેનો મિત્ર ધનંજયકુમાર મનોજકુમાર કુશવાહા ઉં.વ.૨૦ (રહે. તુલસી નગર, મકરપુરા, વડોદરા) બાઇક લઈને પાવાગઢ દર્શન કરવા માટે જતા હતા. વહેલી સવારે હાલોલ ટોલ રોડ ઉપર પાંચદેવલા ગામે, ખોડિયાર કાઠિયાવાડી હોટલ નજીક વરસાદી વાતાવરણમાં શિવાંકે બાઇક પરથી કાબૂ ગુમાવતા બાઇક ડિવાઇડર સાથે અથડાઇ હતી. રોડ પર પટકાયેલા શિવાંક અને ધનંજયને માથામાં ગંભીર ઇજા થતા સારવાર માટે જરોદ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. બનાવ અંગે જરોદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.