Get The App

મુંબઇથી મેફેડ્રોન લાવી એક વર્ષથી વેંચતા બે મિત્રો ઝડપાયા

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
મુંબઇથી મેફેડ્રોન લાવી એક વર્ષથી વેંચતા બે મિત્રો ઝડપાયા 1 - image

એક આરોપી રાજકોટનો અને બીજો બિલખાનો

શરૂઆતમાં બંને આરોપીઓ બંધાણી હતા, ખર્ચો કાઢવા પેડલર બની ગયા

રાજકોટ: યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસે અવધ-૨ એપાર્ટમેન્ટ નજીકથી એસઓજીએ ૪૦.૪૨૦ ગ્રામ મેફેડ્રોન સાથે મૌલિક અશોકભાઇ જેઠવા (ઉ.વ.૨૮, રહે. અવધ એપાર્ટમેન્ટ) અને મયૂર ઉર્ફે લાલુ ઉર્ફે મેક્સ દિલીપભાઇ જાડા (ઉ.વ.૨૮, રહે. બીલખા)ને ઝડપી લીધા હતા.

એસઓજીનાં પીઆઇ એસ.એમ.જાડેજાએ બંને આરોપીઓ પાસેથી કુલ રૂા.૧.૨૧ લાખનું મેફેડ્રોન ડ્રગ્સ, ટુ-વ્હીલર અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂા.૨.૨૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજીએ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે બંને આરોપીઓ છેલ્લા એકાદ વર્ષથી ડ્રગ્સનો વેપલો કરતા હતા. મુંબઇથી ડ્રગ્સ લાવી છુટક પડીકી બનાવી વેચતા હતા. 

મોટાભાગના પેડલર શરૂઆતમાં બંધાણી હોય છે. ત્યાર પછી ડ્રગ્સનાં ખર્ચા કાઢવા માટે તેને વેચવાના રવાડે ચડી જાય છે. એસઓજીનાં સુત્રોએ જણાવ્યું કે આ બંને આરોપીઓ પણ શરૂઆતમાં બંધાણી હતા. બાદમાં પેડલર બની ગયા હતા.

બંને આરોપીઓ સામે ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. આરોપી મૌલિક લાંબો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. તેના વિરુદ્ધ રાજકોટ, વેરાવળ અને મોરબીમાં ચોરી, દારૂનાં નવ ગુના નોંધાઇ ચુક્યા છે. ૨૦૧૫માં તેની પાસા તળે પણ અટકાયત કરવામાં આવી હતી. બીજો આરોપી મયૂર ઉર્ફે લાલુ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ૨૦૨૧ની સાલમાં ડ્રગ્સનાં કેસમાં પકડાઇ ચુક્યો છે.