જામનગર નજીકના દરિયામાં મોન્સૂન બ્રેક કરીને માછીમારી કરવા ગયેલા બે માછીમારો પકડાયા : બંને સામે ગુનો નોંધાયો
Jamnagar : જામનગર નજીકતા દરિયામાં હાલ મોન્સૂન બ્રેક ચાલી રહ્યો છે, અને જિલ્લા કલેકટર દ્વારા વરસાદી સીઝનમાં માછીમારી નહીં કરવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમ છતાં બે માછીમારો મોન્સૂન બ્રેક કરીને પોતાની માછીમારી બોટ લઈને દરિયામાં માછીમારી કરવા માટે ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. બેડી મરીન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા દરિયાઈ પેટ્રોલિંગ કર્યું હતું, જે દરમિયાન ઉપરોક્ત વિગતો ધ્યાનમાં આવી હતી.
બેડી મરીન પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ.વી.પોપટ અને તેઓની ટીમે દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન બે માછીમારોને પકડી પાડ્યા હતા. જામનગરના બેડી વિસ્તારમાં રહેતા જાફર મોહસીનભાઈ સોઢા તેમજ ગની એલિયસ સુંભાણીયા કે જે બંને માછીમારો પોતાની માછીમારી બોટ સાથે દરિયા વિસ્તારમાંથી ઝડપાયા હોવાથી બંને સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 223 તેમજ ધી ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કાયદો 2003 ની કલમ 21(1) ચ મુજબ ગુનો નોંધ્યો છે, અને બંનેની અટકાયત કરી લઈ તેઓની માછીમારી બોટો કબજે કરી લેવામાં આવી છે.