Gujarat

છોટા ઉદેપુરમાં આગની બે ઘટના: નસવાડીમાં આદિવાસી પરિવારનું ઘર રાખ, બોડેલીમાં બંધ દુકાનમાં લાગી આગ

By GS TEAM
8 May 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુર જિલ્લામાં આગની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. નસવાડી તાલુકાના ધારસિમેલ ગામમાં આગે આદિવાસી પરિવારનો આશરો છીનવી લીધો છે, જ્યારે બોડેલીમાં સ્થાનિક યુવકોની બહાદુરીને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુરમાં આગની બે ઘટના: નસવાડીમાં આદિવાસી પરિવારનું ઘર રાખ, બોડેલીમાં બંધ દુકાનમાં લાગી આગ

Two Fire Incidents in Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લામાં આગની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. નસવાડી તાલુકાના ધારસિમેલ ગામમાં આગે આદિવાસી પરિવારનો આશરો છીનવી લીધો છે, જ્યારે બોડેલીમાં સ્થાનિક યુવકોની બહાદુરીને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

નસવાડીના ધારસિમેલ ગામમાં આદિવાસી પરિવારનું ઘર બળીને ખાખ

નસવાડી તાલુકાના ધારસિમેલ ગામના હીમો ફળિયામાં રહેતા ડુંગરા ભીલ કિણસિયા ભાઈના મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે પરિવારને સામાન બહાર કાઢવાનો પણ મોકો મળ્યો નહોતો.

જોતજોતામાં આખું ઘર અને ઘરમાં રહેલો તમામ ઘરવખરીનો સામાન, અનાજ અને કિંમતી ચીજવસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી. આગની જ્વાળાઓ જોઈને આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બધું જ નાશ પામ્યું હતું. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

બોડેલીમાં હરીફાઈ માર્કેટમાં આગ 

બીજી ઘટના બોડેલીના હરીફાઈ માર્કેટમાં બની હતી, જ્યાં મોડી રાત્રે એક બંધ દુકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. દુકાનમાંથી ધુમાડો નીકળતા નજીકમાં ચાલી રહેલા 'નિયાજ' (પ્રસાદી)ના કાર્યક્રમમાંથી મુસ્લિમ યુવકો તાત્કાલિક દોડી આવ્યા હતા. યુવકોએ જીવના જોખમે કટરથી શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મોટાભાગનો માલસામાન બહાર કાઢી લીધો હતો.

ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. આગમાં થોડું નુકસાન થયું છે પરંતુ મોટી હોનારત ટળી છે. મુસ્લિમ યુવકોની આ કામગીરીને સ્થાનિક વેપારીઓએ બિરદાવી હતી.