પાક નિષ્ફળ જતાં અરડોઈ અને રેવાણીયામાં બે ખેડૂતની આત્મહત્યા

કમોસમી વરસાદે સૌરાષ્ટ્રના અનેક ખેડૂતોનું જીવતર ઝેર કર્યું!
આગલા વર્ષનું દેવું હોવા ઉપરાંત આ વર્ષે પણ માવઠાના કારણે નુકસાન થતાં હતપ્રભ થઈને જીવ દઈ દીધો
બનાવની વધુ વિગત મુજબ, વિંછીયા તાલુકાના રેવાણીયા ગામે રહેતા ખેતમજુર ખેડૂત દાનાભાઈ રામજીભાઈ જાદવનો કૃષિ પાક નિષ્ફળ જતાં તેઓ હતપ્રભ બની ગયા હતા. આ ખેડૂતને કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન જતાં તે ચિંતામાં ડૂબી ગયા હતા. પરિવારજનોના કહેવા મુજબ, સતત બે વર્ષથી પાક નિષ્ફળ જતાં આર્થિક રીતે ખૂબ જ પીડિત હતા. આથી, તેણે ઘરે જ ગળાફાંસો ખાઈ જીવ દીધો હતો.
બીજા બનાવમાં કોટડાસાંગાણીના અરડોઈ ગામે દિલીપભાઈ નાગજીભાઈ વીરડિયાએ પાક નિષ્ફળ જવાની ચિંતામાં અને મોટું દેવું થઈ જતાં વાડીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. દિલીપભાઈએ ભાગવી રાખેલી ૨૮ વીઘા જમીન અને પોતાની દસ વીઘા જમીનમાં વાવેતર કર્યું હતું પણ કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન આવી જતાં ચિંતામાં આત્મઘાતી પગલું ભરી લીધું હતું.

