વડોદરામાં સોમા તળાવ પાસે પૈસાની લેતી દેતી બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી બે પરિવાર વચ્ચે અથડામણ : ચારને ઇજા
Vadodara Crime : વડોદરાના સોમા તળાવ પાસે ગેસ ગોડાઉનની પાછળ રહેતા અને શાકભાજીનો વેપાર કરતા શિવદેવીબેન રાજકુમારી યાદવે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવી છે કે, મારે પાંચ સંતાનો છે ગઈકાલે રાત્રે 9:00 વાગે હું તથા મારા બાળકો મારા ઘરે હાજર હતા. તે દરમિયાન ત્રણ મહિના અગાઉ અમારા ઘર સામે રહેતા રામ નરેશ યાદવની પાસે ઉછીના પૈસા આપ્યા હતા જે પૈસા પરત માગતા રામ નરેશ યાદવએ મારી સાથે ઝઘડો કર્યો હતો. પરંતુ ત્યારબાદ અમારે સમાધાન થઈ ગયું હતું. આ ઝઘડાની અદાવત રાખી રામ નરેશ યાદવનો છોકરો ઘર આગળ આવી ગાળો બોલવા લાગ્યો હતો. જેથી મેં તેને ગાળો બોલવાની ના પાડી હતી તેને ઉશ્કેરાયને લાકડી વડે મારા પર હુમલો કરી પેટ, છાતી અને પગમાં ઇજા પહોંચાડી હતી. મારી દીકરી વચ્ચે બચાવવા પડતા તેને પણ રામ નરેશ યાદવ તથા વિરેન્દ્ર તથા અજયે માર માર્યો હતો. દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઈ જતા હુમલાખોરો ભાગી ગયા હતા.
જ્યારે સામા પક્ષે વિરેન્દ્ર યાદવે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે મારા ઘર નજીક કુતરાઓ બેઠા હોવાથી હું ગાડી ઉભી રાખી તેઓને ભગાડતો હતો અને કુતરાઓને બૂમો પાડતો હતો તે સમયે મારા ઘરની સામે રહેતા શિવદેવીબેન યાદવ સાથે પૈસાની લેતી દેતી બાબતે મારા પિતાને ઝઘડો થયો હતો તેની અદાવત રાખી શિવદેવીએ મારા પર ઉશ્કેરાયને મને ગાળો બોલી લાકડી વડે માથામાં ઈજા પહોંચાડી હતી. શિવદેવીએ મારા ભાઈને પણ લાકડી વડે માર માર્યો હતો. તેના પરિવારના સભ્યોએ પણ પથ્થર મારી મારા પિતાને તથા ભાઈને ઈજા પહોંચાડી હતી.