બે પરિવારો સાથે યુકેના વર્ક પરમિટના બહાને ૪૫ લાખ રૃપિયાની છેતરપિંડી
સેક્ટર-૧૬માં આવેલી એક્રેઈટ વિઝા કન્સલ્ટન્સી દ્વારા
સેક્ટર-૨૪ની મહિલા અને અમદાવાદ ખાતેના યુવાનને નિશાન બનાવ્યા ઃ સંચાલક સહિત ત્રણ સામે ગુનો દાખલ
હાલમાં લોકોને વિદેશ મોકલવાના બહારને વિઝા કન્સલ્ટન્સીના
નામે ગઠિયાઓ દ્વારા લાખો કરોડો રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી રહી છે ત્યારે આવી
જ એક ઘટના ગાંધીનગરમાં વધુ એક વાર બહાર આવી છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી
મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના સેક્ટર ૨૪ હરસિધ્ધનગર ખાતે રહેતા કાજલબેન
રાહુલ કુમાર નાયી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, અમદાવાદ સૈજપુર
બોઘા ખાતે રહેતા અને સેક્ટર ૧૬માં આવેલી એક્રેઈટ વિઝા કન્સલ્ટન્સી ચલાવતા મેહુલભાઈ
રાજેશભાઈ સોની અને કુડાસણ પ્રમુખ એવન્યુ કોમ્પલેક્ષમાં જીનલબેન પંચાલ દ્વારા તેમને
અને તેમના પરિવારને યુકેના વર્ક પરમીટ ૩૦ લાખ રૃપિયામાં આપવાનું નક્કી કરવામાં
આવ્યો હતું.
જે પેટે તેમણે તબક્કાવાર રૃપિયા ચૂકવ્યા હતા અને નકલી સ્પોન્સર લેટર પણ બનાવી આપ્યો હતો. એટલું જ નહીં બે ત્રણ કોરા કાગળ ઉપર સહી પણ લેવામાં આવી હતી. ૨૪.૨૫ લાખ રૃપિયા રોકડા તેમને આપવામાં આવ્યા હતા. ઇન્ટરવ્યૂ બાદ તેમના વિઝા રિજેક્ટ થયા હોવાનું કહેવામાં આવ્યું હતું અને રૃપિયા પરત માગતા ૩.૮૭ લાખ રૃપિયા પરત કર્યા હતા. જોકે બાકી નીકળતા ૨૦.૩૭ લાખ પરત નહીં આપીને છેતરપિંડી આચરવામાં આવી હતી તો આ જ ટોળકી દ્વારા અમદાવાદના ઘાટલોડીયા ખાતે રહેતા સંદીપભાઈ ગણપતભાઈ નાઈને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા અને તેમને તેમની પત્ની અને પુત્રને પાંચ વર્ષના યુકેના વર્ક પરમિટ વિઝા આપવા ૨૭ લાખ રૃપિયા નક્કી કર્યા હતા અને જે મુજબ તેમણે ૨૫ લાખ રૃપિયા ચૂકવી આપ્યા હતા પરંતુ તેમનું કામ કરી આપવામાં આવ્યું ન હતું. જેથી આ ઘટનામાં પણ મહેશભાઈ રાજેશભાઈ સોની, નિધિબેન સોની અને જીનલબેન પંચાલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.