ચલાલા પાલિકામાં શાસક ભાજપનાં બે જૂથ સામસામે: અવિશ્વાસ દરખાસ્ત

ધારાસભ્ય જે.વી. કાકડીયાના જ ગામમાં હૂંસાતૂંસી : 8 મહિના પહેલાં જ તમામ 24 બેઠકો જીતનાર ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ સામે ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો : જનરલ બોર્ડ બોલાવવા અલ્ટિમેટમ
ચલાલા,અમરેલી, : અમરેલી જિલ્લામાં વધુ એક વખત ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. હવે ચલાલા નગરપાલિકામાં આઠ મહિના પહેલા જ સર્વાનુમતે વિજેતા બનેલા શાસક ભાજપમાં જૂથવાદની આગ ભભૂકી ઉઠી છે અને બહુમતી સભ્યોએ મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકીને 15 દિવસમાં જનરલ બોર્ડ બોલાવવા અલ્ટિમેટમ આપતા ઉહાપોહ મચી ગયો છે. જેની સામે પ્રમુખ-ઉપપ્રમુખ જૂથે પણ અમરેલી જિલ્લા પ્રમુખને પત્ર લખ્યો છે, તો બીજી તરફ ચલાલા એ ધારાસભ્ય જે.વી. કાકડીયાનું જ વતન હોવાથી તેમણે ડેમજ કંટ્રોલ માટે પ્રયાસો શરૂ કર્યા છે. 
ચલાલા નગરપાલિકામાં ભાજપે 24માંથી 24 બેઠકો જીત્યા બાદ માત્ર 8 મહિનામાં જ આ રાજકીય ભૂકંપ આવ્યો છે. પ્રમુખ નયનાબેન વાળા અને ઉપપ્રમુખ પ્રવીણભાઈ માલવીયા સામે વોર્ડ નં. 2ના સદસ્ય મુક્તાબેન પરમારે રજૂ કરેલી અવિશ્વાસ દરખાસ્તમાં 20 સભ્યોની સહી છે. મુખ્ય કારણોમાં ભ્રષ્ટાચાર, વહીવટી જ્ઞાાનનો અભાવ, સભ્યોની અવગણના અને અંદાજે 17 કરોડની ગ્રાન્ટ હોવા છતાં વિકાસના કામો ન થવાનો સમાવેશ થાય છે. અગાઉ, બોર્ડની બેઠક ન બોલાવવા બદલ સભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે. પક્ષના નેતાઓને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન આવતા, આખરે શહેરના હિતમાં અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હોવાનું અસંતુષ્ટ સદસ્યોએ જણાવીને જો 15 દિવસમાં જનરલ બોર્ડ બોલાવવામાં નહીં આવે તો ઉચ્ચકક્ષાએ ધા નાખવાની ચેતવણી પણ ઉચ્ચારી છે.
આમ, નગરપાલિકાના ભાજપના 24 સદસ્યોમાંથી 20 સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા આંતરિક વિખવાદ બહાર આવ્યો છે. ચલાલા ધારાસભ્ય જે.વી. કાકડીયાનું વતન છે, એટલે ત્યાંની નગરપાલિકામાં જ આંતરિક જૂથવાદ સાથે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા રાજકીય ભુકંપ સર્જાયો છે. આ મામલે પોતાનો બચાવ કરતા સુધરાઈ પ્રમુખ નયનાબેન વાળા અને ઉપપ્રમુખ પ્રવીણભાઈ માલવીયાએ 11 સદસ્યોની સહી સાથે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખનેપત્ર લખ્યો છે કે, 'અમે 11 સદસ્યો સાથે છીએ અને અમે અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં નથી. અમારી વિરુદ્ધમાં બહુમત સભ્યો હોવાની વાત ખોટી છે. અમારી લોકપ્રિયતા વધતી જતી હોવાથી સારું નહીં લાગતા નગરપાલિકાને અસ્થિર કરવા અને શહેરનો વિકાસ રુંધવાનો પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે. અમે વહેલીતકે જનરલ બોર્ડ બોલાવીને કોણ કોની સાથે છે? તે સાબિત કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી આપવાના છીએ.'

