ઓપી રોડ પરની ખાનગી ઓફિસના બે કર્મચારીએ ઓન લાઇન વ્યવહારો કરી 2.25 કરોડનો ચૂનો ચોપડયો
વડોદરાઃ ઓપી રોડ પર આવેલી ખાનગી કંપનીના એકાઉન્ટન્ટ અને અન્ય કર્મચારીએ બોગસ ઓનલાઇન વ્યવહારો કરી રૃ.૨.૨૫ કરોડની છેતરપિંડી કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે.હાલ આ બંને કર્મચારી ફરાર થઇ જતાં તેમની તપાસ કરવામાં આવી રહી છે.
અકોટાની અલકા સોસાયટીમાં રહેતા અને ઓપીરોડ પર સૂર્યકિરણ બિલ્ડિંગમાં જગતાત મિનરલ પ્રા.લિ.અને બીડી પટેલ ક્વોરી વર્ક્સ પ્રા.લિ.નામની ઓફિસ ધરાવતા છગનભાઇ આરદેસણાએ પોલીસને કહ્યું છે કે,અમારા ગ્રાઉન્ડફ્લોર પરની પ્રગતિ બેન્કમાં બંને કંપનીના એકાઉન્ટ આવેલા છે.જેમાં ઓવરડ્રાફ્ટની ફેસિલિટી પણ છે.હું ઓનલાઇન બેન્કિંગ જાણતો નહિ હોવાથી બેન્કિંગનું તમામ કામ મેન્યુઅલી કરીએ છીએ.
થોડા સમય પહેલાં એક કંપનીએ પેમેેન્ટ કરતાં આ પેમેન્ટ પહેલેથી જ ચૂકવાઇ ગયું હોવાની એન્ટ્રી થઇ હોવાથી શંકા ગઇ હતી. જેથી તપાસ કરાવતાં ઓડી લોન એકાઉન્ટમાંથી અમારી કંપનીમાં પેમેન્ટ થઇ ગયું હોવાનું અને ત્યારબાદ રકમ ટ્રાન્સફર કરી લેવાઇ હોવાનું જણાઇ આવ્યંી હતું.જેથી તપાસ કરતાં ઓડી ફેસિલિટીમાંથી આવી રીતે અનેક ખોટી એન્ટ્રી જણાઇ આવી હતી.
છગનભાઇએ વધુમાં કહ્યું છે કે,અમારી ઓફિસના એકાઉન્ટન્ટ ધુ્રમિલ કલ્પેશકુમાર સોની(રાજધાની સોસાયટી, હરણી-વારસિયા રિંગરોડ) અને મેહુલકુમાર મંગલ દાસ પ્રજાપતિ(અક્ષર પ્રાઇડ, આર્ય એમ્પાયર પાછળ,અટલાદરા)દ્વારા કુલ રૃ.૨.૨૫ કરોડ વગે કરવામાં આવ્યા હોવાનું અને તેમણે ઓડિટ પણ કરાવી લીધું હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી અકોટા પોલીસે ગુનો નોંધ્યાછે.